ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈ વાળી 75 માંથી 65 બેઠકો પર ભાજપનો વિજય
મહારાષ્ટ્ર ચૂંટણીમાં અનેક વિક્રમો સર્જાયા: શિંદેની સેનાનો અવિભાજીત શિવસેના કરતા પણ વધુ સારો દેખાવ
પ્રથમ વખત કોઈ ગઠબંધનને 200 થી વધુ બેઠકો મળી: ભાજપનું અત્યાર સુધીનું સર્વ શ્રેષ્ઠ,કોંગ્રેસનું સૌથી નબળુ પ્રદર્શન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અનેક ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. માણસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગઠબંધનને 200 કરતાં વધારે બેઠકો મળી છે.ભાજપે 132 બેઠકો ઉપર વિજય મેળવ્યો તે મહારાષ્ટ્રમાં તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ તે તેનું સૌથી વધારે નબળુ પ્રદર્શન છે.આ અગાઉ 2014 માં મોદી મોજાની અસર હેઠળ કોંગ્રેસને 42 બેઠકો મળી હતી.2019માં કોંગ્રેસે 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો અને આ વખતે ધડામ થઈને 16 બેઠકો ઉપર ગાડું અટકી ગયું તે પણ એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.સાથે જ કોઈ પાર્ટીએ હજુ છ મહિના પહેલાં જે રાજ્યમાં સંસદની 13 બેઠકો પર વિજય મેળવ્યો હોય તે પાર્ટીને ધારાસભામાં ફકત 16 બેઠક મળે તેવું પણ ભારતના રાજકીય ઇતિહાસમાં
પ્રથમ વખત બન્યું છે.
મહારાષ્ટ્રમાં બધાં પક્ષોના બળાબળના પારખા થઈ ગયા.સાચી શિવસેના અને સાચી એનસીપી કોની એ મતદારોએ નક્કી કરી આપ્યું.રાજકારણની વિડંબના કેવી છે કે શિવસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેના પુત્ર ઉદ્વવ ઠાકરે એ શિવસેના ગુમાવી અને એનસીપી ના સ્થાપક શરદ પવારે એનસીપી ગુમાવી દીધી.
મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાની આંગળી પકડીને આગળ આવનાર ભાજપ 132 બેઠક જીતીને સૌથી મોટો પક્ષ બન્યો અને 1985 માં 161 બેઠક મેળવનાર કોંગ્રેસનું નામું નખાઈ ગયું.
મહારાષ્ટ્રના પરિણામોએ ફરી એક વખત એ સાબિત કરી દીધું છે કે ભાજપ સાથેની સીધી લડાઈ લડવાનું કોંગ્રેસનું ગજું નથી.મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીમાં સૌથી વધારે 102 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો હતા.તેમાંથી જીત્યા ફકત 16. કોંગ્રેસનું આ નબળુ પ્રદર્શન મહા વિકાસ અઘાડીને પણ ડુબાડી ગયું.મહારાષ્ટ્રના આ આરપાર ના જંગમાં 75 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ હતો તેમાંથી 65 બેઠક ઉપર ભાજપનો વિજય થયો.કોંગ્રેસને માત્ર 10 બેઠકો મળી. ભાજપ સામેની આઠ બેઠક પર તો કોંગ્રેસના ઉમેદવારો ત્રીજા ક્રમે રહ્યા. મહારાષ્ટ્રમાં ભાજપનો આંકડો 126 ઉપર પહોંચ્યો તેમાં કોંગ્રેસનું પણ જેવું તેવું પ્રદાન નથી.
એનસીપી વિ.એનસીપી: 36માંથી 29 બેઠકો અજીત પવારના ગજવામાં
મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય ગણાતા અઠંગ રાજકીય ખેલાડી શરદ પવાર માટે તેમની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો આઘાત આ વખતના પરિણામોએ આપ્યો છે.અજીત પવાર એનસીપીનું વિભાજન કરીને મહાયુતીમાં જોડાઈ ગયા તે પછી પ્રથમ વખત આ ચૂંટણીમાં કાકા – ભત્રીજા વચ્ચે સીધી ટક્કર હતી.અજીત પવારની એનસીપી ના કુલ 59 ઉમેદવારો મેદાનમાં હતા.તેમાં 35 બેઠકો પર તેમની ટક્કર શરદ પવારની એનસીપીના ઉમેદવારો સામે હતી અને તેમાં 29 બેઠકો પર અજીત પવારના ઉમેદવારો મેદાન મારી ગયા.શરદ પવારના ઉમેદવારો માત્ર છ બેઠકો પર વિજય મેળવવામાં સફળ થયા.બારામતીની બેઠક ઉપર શરદ પવારે અજીત પવાર સામે તેમના જ સગા ભત્રીજા યુગેન્દ્ર પવારને ટિકિટ આપી હતી પણ તેમનો એ દાવ સફળ ન થયો અને અજીત પવાર એક લાખ મતની સરસાઇથી વિજયી થયા.બે એનસીપી વચ્ચેની લડાઈમાં અહેરી ની બેઠક ઉપર પણ કુટુંબના સભ્યો વચ્ચે જ જંગ હતો.એનસીપીના ઉમેદવાર ધરમ રાવ અત્રામ સામે તેમના પુત્રી ભાગ્યશ્રી એ શરદ પવાર જુથ તરફથી ઝંપલાવ્યું હતું પણ પિતા સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો.
મુંબઈની 36 માંથી 22 બેઠકો મહાયુતીના ફાળે: ઠાકરેને 10
મુંબઈની 36 બેઠકોમાંથી 22 બેઠકો પર મહાયુતીના ઉમેદવારો વિજયી થયા હતા.મુંબઈ ભાજપનો ગઢ સાબિત થયું છે.ભાજપે 17 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા હતા તેમાંથી 15 ઉપર કમળ ખીલ્યું હતું.મુંબઈમાં ઉદ્વવ ઠાકરેએ કંઇક અંશે સારો દેખાવ કર્યો હતો.શિવસેનાને આખા મહારાષ્ટ્રમાં કુલ 20 બેઠકો મળી તેમાં 10 મુંબઈની છે.શિંદેની શિવસેનાએ 14 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા પણ છ બેઠકોની સંતોષ માનવો પડ્યો હતો.અજીત પવારની એનસીપીના ચારમાંથી ત્રણ ઉમેદવારો પરાજિત થયા હતા તેમાં નવાબ મલિક અને ઝીશાન સિદિકિનો સમાવેશ થાય છે.કોંગ્રેસના દસ ઉમેદવારોમાંથી મુંબઈમાં માત્ર ત્રણ જ વિજયી થયા હતા.તેમાંથી મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા ધરાવતી મલાડ વેસ્ટ અને મુમ્બાદેવી બેઠકોનો સમાવેશ થાય છે.શરદ પવારની એનસીપી મુંબઈમાં ખાતું પણ નથી ખોલાવી શકી.મુંબઈની કેટલીક બેઠકો પર દિગ્ગજ નેતાઓને પછડાટ મળી હતી.કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી શિંદેની શિવસેનાના જોડાયેલા મિલિંદ દેવરાનો વરલીની બેઠક પર ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે સામે પરાજય થયો હતો.એ જ રીતે ભાજપ છોડી શિંદે સાથે જોડાયેલા સાઇના એનસીને પણ મુમ્બાદેવીની બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
રાજ ઠાકરે અને પ્રકાશ આંબેડકર કાગળનો વાઘ સાબિત થયા
રાજ ઠાકરેએ ચૂંટણી પહેલાં મોટો હાઉ ઊભો કર્યો હતો.તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હતા.એક તબક્કે તો તેમણે મહારાષ્ટ્રનું સુકાન મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાને સોંપવા સુધીની મતદારોને અપીલ કરી હતી.લોકસભાની ચૂંટણીમાં તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો હતો પણ ભાજપનો કરુણ રકાસ થયો હતો.આ વખતે તેમણે કુલ 128 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા તેમાંથી એકનો પણ વિજય નથી થયો.રાજ ઠાકરે તેમના પુત્ર અમિતને પણ જીતાડી ન શક્યા.અમિતને માત્ર 31 હજાર મત મળ્યા.નોંધનીય છે કે ગત વિધાનસભામાં રાજ ઠાકરેના પક્ષના એક ધારાસભ્ય હતા.આ વખતે હવે મનસેના એક પણ ધારાસભ્ય નથી.એ જ રીતે પ્રકાશ આંબેડકરના વંચિત બહુજન અઘાડી પાર્ટીનો પણ કરુણ રકાસ થયો હતો.એ પક્ષના 67 ઉમેદવારો મેદાનમાં હતા પણ ખાતું પણ ન ખુલ્યું.જો કે આ બંને પક્ષના ઉમેદવારોએ કરેલા મત વિભાજને અનેક બેઠકો પર પરિણામો ઉલટ સુલટ કરી નાખ્યાં હતાં.
ભાજપનો સ્ટ્રાઈક રેટ 88.5 ટકા શરદ પવારનો માત્ર 11.6 ટકા
ભારતીય જનતા પક્ષના કુલ 149 ઉમેદવારોમાંથી 132 વિજયી થતાં ભાજપે અભૂતપૂર્વ કહેવાય તેવો 88,.5 ટકાનો સ્ટ્રાઈક રેટ હાંસિલ કર્યો હતો.એનસીપીએ 59 માંથી 41 ઉમેદવારોના વિજય સાથે 69.4 ટકા સ્ટ્રાઈક રેટ મેળવ્યો હતો.કોંગ્રેસના 102 માંથી માત્ર 16 ઉમેદવાર અને શરદ પવારની એનસીપીના 86 માંથી ફકત 10 ઉમેદવારો ચૂંટાતા એ બન્ને પક્ષો સ્ટ્રાઈક રેટ અનુક્રમે 15.8 અને 11.6 ટકા નોંધાયો હતો.શિંદેની શિવસેનાએ શિવસેનાના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટ્રાઈક રેટ પ્રાપ્ત કર્યો હતો.તેના 81 માંથી 57 ઉમેદવારો વિજયી થતા 70.4 ટકા સ્ટ્રાઈક રેટ મેળવી નવો વિક્રમ સર્જ્યો હતો.આ અગાઉ 1995 માં શિવસેનાને 73 બેઠકો મળી હતી ત્યારે પણ તેનો સ્ટ્રાઈક રેટ 43.2 ટકા હતો.અત્રે એ નોંધવું પણ રસપ્રદ બની રહેશે કે 2019 ની ચૂંટણીમાં અવિભાજીત શિવસેનાને 56 બેઠકો મળી હતી.તેની સામે શિંદેની શિવસેનાએ આ વખતે 57 બેઠકો પર વિજય મેળવ્યો છે.
નાંદેડની બેઠક કોંગીએ જાળવી રાખી: સાકોલીની બેઠક પર પટોલે 208 મતની પાતળી સરસાઈથી વિજયી.
મહારાષ્ટ્રમાં નાંદેડની લોકસભાની બેઠક પર મત ગણતરીના અંતિમ રાઉન્ડમાં થયેલા ઉલ્ટફેરને કારણે કોંગ્રેસના ઉમેદવાર રવીન્દ્ર વસંત રાવ ચવાણનો 1457 મતની સરસાઇથી વિજય થયો હતો. ચવાણ એક તબક્કે તેમના હરીફ ભાજપના ઉમેદવાર સાંતુક હમ્બારડે કરતા 35 હજાર મતથી પાછળ રહી જતા તેમનો પરાજય નિશ્ચિત જણાતો હતો.મહારાષ્ટ્રના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન મોદીએ પણ તેમના પ્રવચનમાં નાંદેડની બેઠક પર ભાજપને વિજય અપાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.જો કે મતગણતરીના અંતિમ તબક્કામાં ચિત્ર પલટાઈ ગયું હતું. એ જ રીતે સાકોલીની બેઠક ઉપર છેક સુધી પાછળ રહ્યા બાદ મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં ચમત્કાર સર્જાતા મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેનો ભાજપના ઉમેદવાર અવિનાશ બ્રહમંકર સામે માત્ર 208 મતની સરસાઇથી વિજય થયો હતો.
મરાઠા અનામતનો મુદ્દો હવાઈ ગયો મરાઠાવાડામાં પણ મહાયુતીનો દબદબો
મરાઠા અનામતના મુદ્દે મનોજ જરાંગેએ કરેલા આંદોલનને કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતીને ફટકો પડ્યો હતો. જરાંગે એ વિધાનસભાની ચૂંટણી સમયે પણ એ મુદ્દો સળગતો રાખ્યો હતો. તેમણે જોકે પોતાના ઉમેદવારોને છેલ્લી મિનિટે પરત ખેંચી લીધા હતા પરંતુ અનામત મુદ્દે છેક સુધી તેઓ ભાજપ અને વ્યક્તિગત રીતે દેવેન્દ્ર હડણવીસ ઉપર પ્રહારો કરતા રહ્યા હતા. મરાઠા સમુદાયની નારાજગી મહાયુતીને ભારે પડી શકે છે તેવી આશંકા અનેક રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી હતી.જો કે મનોજ જરાંગેનું આંદોલન અને અનામતનો મુદ્દો ધાર ગુમાવી ચુક્યા હોય તેમ મરાઠાવાડામાં પણ 46 માંથી 36 બેઠકો પર મહાયુતીના ઉમેદવારો વિજયી થયા હતા.
