જેદ્દાહમાં આજથી બે દિવસ IPL-18નું મેગા ઑક્શન : પંત, રાહુલ, અય્યર, ઈશાન, અર્શદીપ પર થઈ શકે રૂપિયાનો વરસાદ
આજથી બે દિવસ માટે સઉદી અરબના જેદ્દાહ શહેરમાં આઈપીએલ-૧૮નું બે દિવસીય મેગા ઑક્શન થશે જેમાં ૫૭૭ ખેલાડીઓના `ભાવ’ બોલાશે. આ હરાજીમાં વિકેટકિપર-બેટર ઋષભ પંત સૌથી મોંઘો ખેલાડી બની શકે છે. તમામ ૧૦ ટીમ પાસે કુલ ૬૪૧.૫૦ કરોડ રૂપિયા છે. ફ્રેન્ચાઈઝી ટીમ પાસે ૨૦૪ સ્લોટ ખાલી છે. પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ ૧૧૦.૫૦ કરોડ રૂપિયા છે જ્યારે બેંગ્લુરુ પાસે ૮૩ કરોડની રકમ પડેલી છે. દિલ્હી કેપિટલ્સ પાસે ૭૩ કરોડ અને રાઈટ ટુ મેચ (આરટીએમ) કાર્ડ છે જેના થકી તે પોતાના પૂર્વ કેપ્ટનને ખરીદી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે ૪૫-૪૫ કરોડ રૂપિયા પડ્યા છે. દર બે વર્ષે ટીમ બદલવા માટે જાણીતી પંજાબ અત્યારે સૌથી વધુ રકમ ધરાવતી ટીમ છે. હરાજી માટે ૮૧ ખેલાડીઓની મુળ કિંમત બે કરોડ છે.
પાછલી ત્રણ સીઝની ૯૬ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ ચૂકેલા અર્શદીપ સિંહ ઉપર પણ સૌથી મોટી બોલી લાગી શકે છે. પંજાબ પાસે આરટીએમ કાર્ડ છે પરંતુ અર્શદીપ સિંહની બોલી ક્યાં સુધી જશે તેનો કોઈને ખ્યાલ નથી. શ્રેયસ અય્યર અને કે.એલ.રાહુલને બાદ કરતા ભારતના લગભગ તમામ સ્ટાર ક્રિકેટર વેચાઈ ચૂક્યા છે. આ યાદીમાં ઈશાન કિશનનું નામ પણ આવે છે જેને ખરીદવા માટે ટીમ એડીચોટીનું જોર લગાવી શકે છે.