કોંગ્રેસના ગઢમાં કમળ ખીલ્યું : વાવની બેઠક પર ભાજપનો વાવટો ફરકાવી સ્વરુપજી ઠાકોરે મેળવી જીત
વાવ વિધાસભાની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપના સ્વરુપજી ઠાકોરની 2353થી વધુ મતની લીડથી જીત થઇ છે. 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં છેલ્લા 3 રાઉન્ડમાં ભાજપે બાજી પલટી નાખીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે અને કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજીએ જીત મેળવી છે.
13મી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ બેઠક ઉપર રાજપૂત, પટેલ અને ઠાકોર સહિત કુલ 10 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા.
બનાસકાંઠામાંથી કૉંગ્રેસ પક્ષનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતાં, પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ સંસદસભ્યપદે ચૂંટાઈ આવતાં, તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી આગળ હતા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત 18 રાઉન્ડ સુધી આગળ ચાલી રહ્યા હતા. છેલ્લા ચાર રાઉન્ડમાં જ સ્વરુપજી ઠાકોરે શાનદાર વાપસી કરી અને જીત મેળવી છે. સ્વરુપજી ઠાકોરની આ જીતને ખૂબ જ મોટી માનવામાં આવે છે. આ વાવ બેઠક કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર જીત મેળવી છે.
બે ટર્મ બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય
ગેનીબેન સાંસદ બનતા જ વાવમાં કોંગ્રેસે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે. બે ટર્મ બાદ ભાજપના સ્વરૂપજીનો વિજય થયો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 2353 મતથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોરને 91755 મત જ્યારે ગુલાબસિંહ રાજપૂતને 89402 મત મળ્યા છે.
ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે કમળ પર ગુલાબ ભારે પડશે. ગુલાબસિંહ રાજપૂતની પાંચ હજારની લીડથી જીત થશે. વાવ ગુલાબસિંહનું હોમ ગ્રાઉન્ડ છે. સુઈગામ અને વાવમાં કૉંગ્રેસને સારી લીડ મળશે. ભાભર તાલુકામાં કૉંગ્રેસને ઓછા મત મળશે. ભાભરમાં ઠાકોર સમાજના વધુ મતદાર હોવાથી ભાજપને ફાયદો થશે.