‘કંઈક તો ગરબડ છે !! ‘ સંજય રાઉતે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પર મોટો દાવો કરી કહ્યું ‘આ જનતાનો નિર્ણય ન હોઈ શકે’
મહારાષ્ટ્રમાં ભાજપે સફાયો બોલાવ્યો છે. ચૂંટણી પરિણામના પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ એકલા હાથે બહુમતિ તરફ જતી હોય એવું લાગી રહ્યું છે. મહાયુતિ અને મહાઅઘાડીના આ જંગમાં આ વખતે ભારે રસાકસી થવાની શક્યતા હતી. જો કે, વલણો શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ની આગેવાની હેઠળનું મહાગઠબંધન અને તેની સત્તામાં વાપસી દર્શાવે છે. આ વલણોમાં, મહા વિકાસ અઘાડી (MVA)ને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે મોટો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે, મહાયુતિએ સમગ્ર મશીનરી પર કબજો કરી લીધો છે. આ રાજ્યના લોકો બેઈમાન નથી. શિંદેના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે ? આ શક્ય કેવી રીતે ?
સંજય રાઉતે કહ્યું, ‘બે દિવસ પહેલા ગૌતમ અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ 2 હજાર કરોડનો લાંચનો મામલો છે, તેમાં ભાજપનું રહસ્ય બહાર આવી ગયું છે. બસ ધ્યાન ભટકાવવા માટેની આ એક છેતરપિંડી હતી, આની તૈયારીઓ અગાઉથી જ ચાલી રહી હતી. મહારાષ્ટ્ર અને મુંબઈ ગૌતમ અદાણીના હાથમાં જઈ રહ્યું છે, અમે વિરોધ કર્યો હતો કે અદાણી આવું નહીં થવા દે અને બસ આવા પરિણામો રાજ્ય પર લાદવામાં આવેલ છે.
આ નિર્ણય જનતાનો નથી – રાઉત
સંજય રાઉતે કહ્યું, ‘આવા પરિણામો મહારાષ્ટ્ર પર લાદવામાં આવ્યા છે. અમે મહારાષ્ટ્રના લોકોની લાગણીઓને જાણીએ છીએ અને આવું ન થઈ શકે એ અમને ખબર છે. લાડકી બહેન યોજના અંગેના પ્રશ્ન પર રાઉતે કહ્યું, ‘અહીં લાડકા ભાઈઓ અને દાદાજી પણ છે. અમે જાણીએ છીએ કે અહીં શું ચાલી રહ્યું છે, જે નિર્ણય લેવામાં આવ્યો છે તે જનતાનો નથી.
તેમણે કહ્યું કે, કેવી રીતે શિંદેના તમામ ઉમેદવારો જીતી રહ્યા છે. રાઉતે કહ્યું, ‘2014 અને 2019ની બે લોકસભા ચૂંટણીમાં મોદી અને શાહે એવું કર્યું હતું કે, કોંગ્રેસને વિપક્ષનો નેતા ન મળવો જોઈએ, આ વખતે તેમણે મહારાષ્ટ્રમાં એ જ વ્યૂહરચના રચી છે કે કોંગ્રેસમાં કોઈ વિપક્ષી નેતા જોવા ન મળે. આવી રણનીતિ હંમેશા ભાજપની રહી છે.