ખાનગી લેબમાં લોહીનો રિપોર્ટ રૂ. 250માં, ટ્રસ્ટની લેબમાં લોહીનો રિપોર્ટ રૂ.90માં : શા માટે દર્દીઓ પાસેથી ત્રણ ગણો ભાવ વસૂલી રહી છે ખાનગી લેબ ??
ડૉક્ટરોના લેબ સાથે ગઠબંધન'ને કારણે થઈ રહેલી ઉઘાડી લૂંટનો આ રહ્યો પૂરાવો...
શા માટે દર્દીઓ પાસેથી ત્રણ ગણો ભાવ વસૂલી રહી છે ખાનગી લેબ ? સૌથી મોટું કારણ ડૉક્ટરોને ચૂકવાતું કમિશન
શું ખાનગી લેબ ટેસ્ટ માટે સોનાની સોય વાપરતી હશે કે આટલા બધા ભાવ વસૂલી રહી છે ?
અનેક લેબોરેટરી સાથે ખાનગી ડૉક્ટરો રોજના કેટલા દર્દી મોકલશે તેનું
બાંધણું’ કરી લેવાયું હોય છે
ડૉક્ટરોનું દવા કંપનીઓ સાથે સેટિંગ' ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે, ચાલી જ રહ્યું છે તેમ છાતી ઠોકીને કહી શકવાની હિંમત
વોઈસ ઓફ ડે’ ધરાવે છે. આ સેટિંગ'ને કારણે જ દર્દીઓ લૂંટાઈ નહીં બલ્કે ચીરાઈ રહ્યા છે તેમ કહેવામાં પણ અમને કોઈ જ અતિશ્યોક્તિ નથી. શહેરના કે ગુજરાતના બધાં નહીં બલ્કે અનેક તબીબો એવા છે જેમની ચારેય બાજુથી ખાઈ લેવાની ખોરા ટોપરા જેવી દાનતને કારણે દારૂણ સ્થિતિમાં જીવન પસાર કરનારા દર્દીની હાલત કફોડી થઈ જાય છે.
એક તો ડૉક્ટરને તેનો ક્નસલ્ટીંગ ચાર્જ ચૂકવવાનો ત્યારબાદ ડૉક્ટરે જે દવા કંપની સાથે
સેટિંગ’ કર્યું હોય તે કંપનીની ગમે એટલી મોંઘી હોય પરંતુ એ જ દવા ખરીદવાની. જો કે દવા જ નહીં બલ્કે હવે ડૉક્ટરોએ ખાનગી લેબોરેટરીઓ સાથે પણ ગઠબંધન' કરી લીધું હોવાને કારણે દર્દીઓને ત્યાં પણ પૈસારૂપી પાટા ખાવાનો વખત આવ્યો છે ! આ પ્રકારે ઉઘાડી લૂંટ ચાલી રહી છે જેનો જીવંત પૂરાવો પણ આજે પ્રસ્તુત કરવામાં આવશે. દર્દીને કોઈ પણ તકલીફ હોય પછી ચાહે તે બ્લડપ્રેશરની હોય, ડાયાબિટીસની હોય કે પછી બીજી કોઈ જ શારીરિક મુશ્કેલી લઈને ડૉક્ટર પાસે જાય એટલે સૌથી પહેલાં તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ કરવા માટે અત્યારે શહેરમાં ૪૦૦ જેટલી ખાનગી લેબોરેટરી કાર્યરત છે.
આ ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત લેબ પણ ચાલી રહી છે. રિપોર્ટ એક જ પ્રકારનો હોય એટલે ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત લેબના ચાર્જમાં બહુ વધુ ફરક ન હોવો જોઈએ પરંતુ રાજકોટમાં અત્યારે એક જ ટેસ્ટ કરાવવાના ચાર્જમાં ત્રણ ગણો તફાવત જોવા મળી રહ્યાનું
વોઈસ ઓફ ડે’ દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. ખાનગી લેબમાં અત્યારે લોહીના રિપોર્ટનો ચાર્જ ૨૦૦થી ૨૫૦ રૂપિયા છે જ્યારે આ જ ટેસ્ટ ટ્રસ્ટની લેબોરેટરીમાં માત્ર ૯૦ રૂપિયામાં થઈ શકે છે !
આ તફાવત જોતાં જાણકારો એવો ટોણો પણ મારી રહ્યા છે કે શું ખાનગી લેબોરેટરી સોનાની સોયથી દર્દીનું સેમ્પલ લેતી હશે ? જો કે ટોણાને નેવે મુકીને વાસ્તવિક્તા પર વાત કરવામાં આવે તો આટલા મોટા તફાવતમાં લેબોરેટરીની નફાખોરી તેમજ ડૉક્ટરનું કમિશન આ બે જ પરિબળો મુખ્યત્વે જવાબદાર છે. સરકાર આ દિશામાં ક્યારેય ધ્યાન કેન્દ્રીત કરી રહી નથી અથવા તો કરવા માંગતી ન હોવાને કારણે દરરોજ હજારોની સંખ્યામાં ટેસ્ટીંગ કરાવનારા દર્દીઓના ખીસ્સા ખાલી થઈ રહ્યાની વાસ્તવિક સ્થિતિ અત્યારે નિર્માણ પામી રહી છે.
ખાનગી-ટ્રસ્ટની લેબમાં ટેસ્ટનો ભાવ
સીબીસી (લોહીની ટકાવારી, કમ્પલિટ બ્લડ કાઉન્ટ) ૨૦૦-૨૫૦
સીઆરપી (ઈન્ફેક્શન સંબંધિત) ૨૫૦-૩૫૦
મેલેરિયા કાર્ડ ૨૦૦
ડેંગ્યુ એનએસ૧ ૫૦૦
ડેંગ્યુ એનએસ૧ આઈજીજી આઈજીએમ ૬૦૦-૭૦૦
એસજીપીટી (લીવર સંબંધિત) ૧૫૦-૨૦૦
એસજીઓટી (લીવર સંબંધિત) ૧૫૦-૨૦૦
બીલીરુબીન (લીવર સંબંધિત) ૧૫૦-૨૦૦
આરબીએસ (ડાયાબિટીસ સંબધિત) ૩૦-૫૦
એફબીએસ+પીપીબીએસ યુરિન સુગર (ડાયાબિટીસ) ૬૦-૮૦
પ્રોટીન+આલ્બ્યુમીન ૧૫૦-૨૦૦
યુરિન રૂટિન ૮૦-૧૦૦
ટી૩ ટી૪ ટીએસએચ (થાઈરોઈડ) ૫૦૦-૫૫૦
ટી૩ (થાઈરોઈડ) ૨૦૦-૨૫૦
ટી૪ (થાઈરોઈડ) ૨૦૦-૨૫૦
ટીએસએચ (થાઈરોઈડ) ૨૦૦-૨૫૦
વીટામીન બી-૧૨ ૬૦૦-૭૦૦
વીટામીન ડી-૩ ૧૦૦૦-૧૧૦૦
પીટી (પ્રોથોમ્બીન) ૨૦૦-૨૫૦
એપીટીટી (પ્રોથોમ્બીન) ૩૦૦-૩૫૦
બાયકાર્બોનેટ ૪૦૦
બ્લડ ગ્રુપ ૮૦-૧૦૦
લીવર ફંક્શન ટેસ્ટ ૭૦૦-૮૦૦
રીનલ ફંક્શન ટેસ્ટ (કિડની) ૬૦૦-૭૦૦
ચરબીની તપાસ ૪૫૦-૫૦૦
કિડનીની તપાસ ૧૫૦-૨૦૦
ચિકનગુનિયા આઈજીએમ ૩૫૦-૪૦૦
ચિકનગુનિયા આઈએનજી ૩૫૦-૪૦૦
એલેક્ટ્રોલાઈટ ૫૦૦-૬૦૦
ઈન્ફ્લેમેશન ૮૦-૧૦૦
ટ્રસ્ટની લેબ ટેસ્ટ ચાર્જ
સીબીસી (લોહીની ટકાવારી, કમ્પલિટ બ્લડ કાઉન્ટ) ૯૦
સીઆરપી (ઈન્ફેક્શન સંબંધિત) ૯૦
મેલેરિયા કાર્ડ ૧૦૦
ડેંગ્યુ એનએસ૧ ૧૯૦
ડેંગ્યુ એનએસ૧ આઈજીજી આઈજીએમ ૩૯૦
એસજીપીટી (લીવર સંબંધિત) ૫૦
એસજીઓટી (લીવર સંબંધિત) ૫૦
બીલીરુબીન (લીવર સંબંધિત) ૫૦
આરબીએસ (ડાયાબિટીસ સંબધિત) ૧૦
એફબીએસ+પીપીબીએસ યુરિન સુગર (ડાયાબિટીસ) ૧૦
પ્રોટીન+આલ્બ્યુમીન ૧૦૦
યુરિન રૂટિન ૨૦
ટીએચએસ, ટી૩, ટી૪ ૩૦૦
વીટામીન બી-૧૨ ૪૦૦
વીટામીન ડી-૩ ૭૦૦
પીટી (પ્રોથોમ્બીન) ૧૦૦
એપીટીટી (પ્રોથોમ્બીન) ૨૦૦
બાયકાર્બોનેટ ૩૫૦
બ્લડ ગ્રુપ ૩૦
લીવર ફંક્શન ટેસ્ટ ૨૫૦
રીનલ ફંક્શન ટેસ્ટ (કિડની) ૧૫૦
ચરબીની તપાસ (લીપીડ પ્રોફાઈલ) ૧૮૦
કિડનીની તપાસ ૫૦
ચિકનગુનિયા આઈજીજી ૩૦૦
ચિકનગુનિયા આઈજીએમ ૩૦૦
એલેક્ટ્રોલાઈટ ૨૦૦
ઈન્ફ્લેમેશન ૨૦
સીબીસી
જો કોઈ દર્દી ટ્રસ્ટની લેબનો રિપોર્ટ બતાવે એટલે ડૉક્ટરનું મોઢું બગડી જાય છે !
અનેક ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ એવા હોય છે જેમને ડૉક્ટર દ્વારા લેબ ટેસ્ટ લખી આપવામાં આવે છે. બધાં નહીં બલ્કે અમુક ડૉક્ટરોનું જ્યાં ગઠબંધન હોય તે જ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખે છે પરંતુ આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ દર્દી ડૉક્ટરે લખી આપેલી લેબમાં ટેસ્ટ કરાવવાની જગ્યાએ ટ્રસ્ટ સંચાલિત લેબમાં ટેસ્ટીંગ કરાવ્યા બાદ તેનો રિપોર્ટ ડૉક્ટરને આપે એટલે ડૉક્ટરનું મોઢું બગડી ગયાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે.
શા માટે ડૉક્ટરો કોઈ પણ લેબમાં ટેસ્ટ કરાવવા માટે છૂટ' નથી આપતા ?
રાજકોટના તમામ ડૉક્ટરોએ નૈતિકતા દાખવીને દર્દીને જ્યાં પરવડે ત્યાં ટેસ્ટ કરાવવાની છૂટ આપવી જોઈએ પરંતુ લોકોની કમનસીબી ગણો કે આવી છૂટ હજુ સુધી મળી નથી. વળી, સરકાર દ્વારા પણ કોઈ ડૉક્ટર
ધરાર’ તેણે જ લખેલી લેબમાં ટેસ્ટ કરાવવા માટે ફરજ પાડી શકે નહીં તેવો નિયમ અમલી બનાવવામાં આવી રહ્યો ન હોવાથી કમિશનનો ખેલ અટકવાનું નામ લઈ રહ્યો ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જો કે અનેક ડૉક્ટરો એવા પણ છે જેઓ નૈતિક્તા વાપરીને દર્દીને જ્યાં સસ્તું પડે ત્યાં ટેસ્ટ કરાવવાની છૂટ આપી રહ્યા છે.