ચક દે ભારત !! મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો વિજય, ચીનને 1-0થી રગદોળ્યું
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની ફાઇનલમાં ભારતીય હોકી ટીમે ચીનને હરાવીને ટાઇટલ જીત્યું છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે ભારતીય ટીમે આ ખિતાબ જીત્યો છે. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ દીપિકાએ 31મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં કર્યો હતો. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાઈનલ મેચ જોવા ઉમટેલી ભીડના કારણે પણ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભારત અને ચીન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બે ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા એટલે કે હાફ ટાઈમ સુધી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરની શરૂઆત બાદ પહેલી જ મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેને દીપિકાએ ગોલમાં ફેરવી દીધો. સલીમા ટેટેને આ ટૂર્નામેન્ટ પહેલા જ ભારતીય ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી અને તેના પહેલા જ પ્રોજેક્ટમાં તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવીને ઐતિહાસિક કારનામું કર્યું છે.
ભારતે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો
ભારતે આ ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત ટાઈટલ કબજે કર્યું છે. આ પહેલા વર્ષ 2016 અને 2023માં પણ ભારતે ફાઇનલમાં જીત મેળવી હતી. જ્યારે 2016ની ફાઈનલ સિંગાપોરમાં રમાઈ હતી. 2023માં ભારતીય ટીમે ટાઈટલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતે છેલ્લી પાંચ ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે, તો બીજી તરફ ઈતિહાસમાં ચીન ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી છે. ભારતની આ જીત એટલા માટે પણ યાદગાર છે કારણ કે તેણે એકપણ મેચ હાર્યા વિના ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું હતું.