ભારતનો GSAT-N2 સેટેલાઇટ ISROને બદલે એલોન મસ્કના સ્પેસએક્સ દ્વારા કેમ અવકાશમાં તરતો મુકાયો ??
ભારતનો નવો ઉપગ્રહ GSAT-N2 અવકાશમાં તરતો મુકાઈ ગયો. પરંતુ ISRO એ તેને લોન્ચ કર્યો નથી. એલોન મસ્કના સ્પેસએક્સે આપણો ઉપગ્રહ લોન્ચ કર્યો. લોન્ચિંગ માટે ભારતની ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) એલન મસ્કની કંપનીને રૂ. 500 કરોડ ચૂકવ્યા.
GSAT-N2 શું છે?
GSAT-N2 એ હાઈ થ્ર-પુટ કોમ્યુનિકેશન સેટેલાઈટ છે જે અદ્યતન ‘કા-બેન્ડ’ ફ્રીક્વન્સી વાપરશે. આ ટેક્નોલોજીને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર-પૂર્વીય પ્રદેશ જેવા દૂરના વિસ્તારો સહિત સમગ્ર ભારતમાં હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ, તેમજ ડિજિટલ વિડિયો અને ઑડિયો સેવાઓ કોઈ અડચણ વિના મળશે.
વજન: સેટેલાઈટનું વજન 4,700 કિગ્રા છે, માટે તે હેવી સેટેલાઈટની કેટેગરીમાં આવે.
આયુષ્ય: GSAT-N2 ચૌદ વર્ષ સુધી કાર્યરત રહેવાની અપેક્ષા છે.
લોન્ચ સાઈટ: આ ઉપગ્રહ કેપ કેનાવેરલ, ફ્લોરિડાથી લોન્ચ થયો
કવરેજ: તેમાં 32 બીમ છે જે સમગ્ર ભારતને આવરી લે છે, જેમાં આઠ ફક્ત ઉત્તરપૂર્વ માટે છે, જ્યારે બીજા સમગ્ર દેશમાં ફેલાયેલા છે.
આ ઉપગ્રહ ભારતનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન ઉપગ્રહ છે અને સરકારની સ્માર્ટ સિટીઝ પહેલમાં, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં અને એરોપ્લેનમાં સવાર મુસાફરોને ઈન્ટરનેટ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
ISRO ને બદલે SpaceX કેમ?
ભારતે ઇસરોને બદલે સ્પેસએક્સ દ્વારા GSAT-N2 લોન્ચ કરવાનું મુખ્ય કારણ ઉપગ્રહનું ભારેખમ વજન છે.
ISRO ની મર્યાદાઓ: ISRO નું સૌથી મોટું રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક-III (LVM3), 4 ટન (4,000 kg) સુધીના પેલોડને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) સુધી લઈ જઈ શકે છે, જે સંચાર ઉપગ્રહો માટેની લાક્ષણિક ભ્રમણકક્ષા છે. જો કે LVM3 ચંદ્રયાન-3 જેવા મિશન લોન્ચ કરવા માટે પૂરતું શક્તિશાળી છે, તે આ પ્રકારના મિશન માટે GSAT-N2 ના 4,700 કિલો વજનને હેન્ડલ કરી શકતું નથી.
સ્પેસએક્સનું ફાલ્કન-9: સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં જીટીઓ મિશન માટે 8 ટન સુધીની લિફ્ટીંગ ક્ષમતા છે, જે તેને GSAT-N2 ના વજનને હેન્ડલ કરવા માટે આદર્શ વિકલ્પ બનાવે છે. તેથી જ NSIL એ સ્પેસએક્સ પસંદ કર્યું. આ બંને સંસ્થાઓ વચ્ચેનું ભાગીદારી ધરાવતું પ્રથમ મિશન થયું.
ઈસરોના સંભવિત વિકલ્પો
ભૂતકાળમાં, ISROએ તેના સૌથી ભારે ઉપગ્રહોને લોન્ચ કરવા માટે યુરોપિયન કંપની Arianespace ના રોકેટનો ઉપયોગ કર્યો છે.
Arianespace એ તેના Ariane-5 રોકેટને નિવૃત્ત કરી દીધું છે, અને આગામી Ariane-6 પાસે કોમર્શીયલ લોન્ચ માટે કોઈ સ્લોટ ઉપલબ્ધ નથી.
- વ્યૂહાત્મક કારણોસર ચીનના રોકેટ જેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવતો નથી અને રશિયા હાલમાં યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યસ્ત છે.
- આ GSAT-N2 ને અવકાશમાં મોકલવા માટે સ્પેસએક્સને એકમાત્ર સંભવિત વિકલ્પ તરીકે છોડી દે છે.
GSAT-N2 ની ભારત ઉપર અસર
બેહતર ઈન્ટરનેટ સેવાઓ: GSAT-N2 સમગ્ર ભારતમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ એક્સેસને નોંધપાત્ર રીતે વેગ આપશે, ખાસ કરીને દૂરના ટાપુઓ અને ગ્રામીણ વિસ્તારો જેવા અછતગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ મળશે.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: આ ઉપગ્રહ ભારતના ‘સ્માર્ટ સિટીઝ’ પ્રોજેક્ટને ટેકો આપશે, વધુ કનેક્ટેડ અને ટેક્નોલોજીકલી અદ્યતન શહેરી જગ્યાઓ વિકસાવવામાં મદદ કરશે.
ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી: આ ઉપગ્રહ ભારતીય એરસ્પેસમાં ફ્લાઇટ્સ પર વિશ્વસનીય ઇન્ટરનેટ પ્રદાન કરવાનું શક્ય બનાવશે, જે ઉડ્ડયન ક્ષેત્રમાં વધતી જતી માંગ છે.
વ્યાપારી ઉપયોગ: GSAT-N2 ની બેન્ડવિડ્થનો મોટો હિસ્સો (80%) પહેલેથી જ ખાનગી પ્લેયરને વેચવામાં આવ્યો છે, બાકીનો ઉપયોગ ઉડ્ડયન અને દરિયાઈ જરૂરિયાતો માટે કરવામાં આવશે.
ISRO ના ભવિષ્યના પ્લાન
ઈસરો સતત ભવિષ્યનું પ્લાનીંગ કરવામાં માને છે. તેઓ હાલમાં નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ (NGLV) વિકસાવવા પર કામ કરી રહ્યા છે, જે વધુ ભારે પેલોડને હેન્ડલ કરવામાં સક્ષમ હશે:
- NGLV કેપેસીટી: તે 10 ટન સુધી GTO અને 30 ટન સુધી લો અર્થ ઓર્બિટ (LEO) સુધી લઈ જવા માટે રચાયેલુ છે.
- બજેટ: પ્રોજેક્ટનું બજેટ રૂ. 8,240 કરોડ છે, અને રોકેટના પ્રથમ સ્ટેજને ફરીથી વાપરી શકાશે. સંભવિત રીતે તે સેટેલાઈટ લોન્ચીંગને આર્થિક રીતે વધુ સગવડભર્યું બનાવશે.
NGLV ભારતની અવકાશ ક્ષમતાઓ માટે એક મોટી છલાંગ બની રહેશે, જે ISROને ભવિષ્યમાં GSAT-N2 જેવા મોટા ઉપગ્રહોને સ્થાનિક સ્તરે હેન્ડલ કરવાની મંજૂરી આપશે.
GSAT-N2 લોન્ચ કરવા માટે SpaceX નો ઉપયોગ કરવાનો ભારતનો નિર્ણય મહત્વનો છે પણ આવું કાયમી ધોરણે નહિ થઇ શકે. ભારતે પોતાની અવકાશ ક્ષમતા વધારવી પડશે અને ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે. જેમ જેમ સ્પેસ રેસ વૈશ્વિક સ્તરે ચાલી રહી છે, તેમ ભારત મહેનત કરી રહ્યું છે કે તે તેની તકનીકી જરૂરિયાતોને પૂર્ણ કરી શકે અને ભવિષ્ય માટે મજબૂત સ્થાનિક ક્ષમતાઓ પણ વિકસાવી શકે. GSAT-N2 જેવા ઉપગ્રહો સાથે, ભારત સ્માર્ટ અને વધુ કનેક્ટેડ એવા ભવિષ્યના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં મોટી પ્રગતિ કરી રહ્યું છે.