મોરબી ઝૂલતાપુલ કેસના આરોપીઓનો છટકવાનો પ્રયાસ : જયસુખ પટેલ સહિતના આરોપીઓએ કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના જે 30 ઓક્ટોમ્બર 2022ના રોજ બની હતી જેમાં 135થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આજે પણ તેમના પરિજનો આ દુખમાંથી બહાર આવી શક્યા નથી. આરોપીઓને સજા આપવામાં આવી છે ત્યારે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે અને આ કેસના તમામ 10 આરોપીઓ છટકવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ કલમ 304 અને 308ના ગુન્હામાથી મુક્તિ માટે ડિસ્ટ્રિક કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે સાથે જ ચકચારી ઝૂલતાપૂલ કેસમાં કોર્ટમાં સૂચિત તહોમતનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના બાદ સરકાર દ્વારા ઓરેવા ગ્રુપ સામે પગલાં લેવામાં આવ્યા હતા અને ઝૂલતાપુલનું સંચાલન કરનાર અજંતા -ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, બે મેનેજર સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો. જો કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી આરોપીઓ જેલમાં રહ્યા બાદ હાલમાં તમામ આરોપીઓ જેલમુક્ત છે ત્યારે મંગળવારે મોરબી કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકારપક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું.
આરોપીઓને ડિસ્ચાર્જ કરવા માટેની અરજી કોર્ટમાં આપી ત્યાર બાદ હવે કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય તેવી શક્યતા હતી. જોકે આજે સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવેલ અને તેને કોર્ટ દ્વારા કન્ફર્મ કરવામાં આવે તે પહેલા આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજીઓ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં તેઓને આ કેસમાંથી તમામને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આરોપીઓના વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ આઇપીસીની જે કલમ મુજબ તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે કલમ હેઠળ તેઓની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી. જેથી તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવે તે મતલબની અરજી આરોપીઓના વકીલે કોર્ટમાં આપેલ છે. જેથી આગામી સમયમાં આ અરજીઓ ઉપર કાર્યવાહી થશે પછી કેસ ચાર્જ ફ્રેમ થશે તેવું જિલ્લાના સરકારી વકીલ વિજય જાની પાસેથી જાણવા મળે છે.