ભારતે લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ : દુશ્મનના રડારમાં પણ નહી દેખાય
ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઓડિશાના દરિયાકાંઠે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે એક મહત્વની સફળતા મેળવી છે. આ સફળતા બદલ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા છે.
આ મિસાઈલનું પરીક્ષણ DRDO અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ હાઇપરસોનિક ટેક્નોલોજી અને લાંબા અંતરની મિસાઈલમાં ભારતની ક્ષમતાઓ દર્શાવે છે.
હાઇપરસોનિક મિસાઇલ અવાજની ઝડપ (1235 કિલોમીટર પ્રતિ કલાક) કરતા પાંચ ગણી વધુ ઝડપે ઉડી શકે છે. તેની ઓછામાં ઓછી સ્પીડ 6174 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. એટલું જ નહીં, આ મિસાઈલ ક્રુઝ અને બેલેસ્ટિક બંને સુવિધાઓથી સજ્જ છે. તે અલગ અલગ પ્રકારના પેલોડ કેરી કરી શકે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કામગીરી હાથ ધરવા સક્ષમ છે. આ લાંબા અંતરની મિસાઈલ દુશ્મનના રડારથી છુપાઈને હુમલો કરવાની ટેક્નોલોજીથી પણ સજ્જ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં વિશ્વના માત્ર પાંચ દેશો પાસે હાઇપરસોનિક મિસાઇલની ક્ષમતા છેઃ અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને ભારત. જો કે ઈરાન તરફથી પણ આવી મિસાઈલોના પરીક્ષણની માહિતી આવી રહી છે. આ દેશો ઉપરાંત બ્રિટન, ઈઝરાયેલ, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયામાં પણ આ ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ભારતે ઓડિશાના દરિયાકિનારે ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ નોંધપાત્ર સિદ્ધિથી આપણો દેશને એવા દેશોના જૂથમાં સામેલ થયો છે કે જેઓ આવી મહત્વપૂર્ણ અને અદ્યતન ડિફેન્સ ટેકનોલોજી ધરાવે છે.’