પોરબંદરના દરિયામાંથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું: NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડ્યું
ગુજરાતનો દરિયાકાંઠો જાણે નશીલા પદાર્થોની હેરાફેરી માટે હબ બની ગયો હોય તેમ ફરી એકવાર ગુજરાતનો દરિયાકાંઠો વિવાદમાં આવ્યો છે. આ વખતે ગુજરાતના પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું અને 500 કિલો ડ્રગ્સ પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ છે. જો કે, હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે અને કોણે મંગાવ્યું અને ક્યાંથી આવ્યું તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં નથી આવી.
કરોડોનો પોરબંદરનો દરિયાકાંઠો
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી.
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ બન્યું
ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. સાથે સાથે યુવાધન ડ્રગ્સના દૂષણમાં બરબાદ થઈ રહ્યુ છે ત્યારે ગૃહવિભાગે દાવો કર્યો છે કે, પાડોશી દેશો ગુજરાતમાં માદક પદાર્થો ઘૂસાડવાના ઇરાદા ધરાવે છે, પણ ગુજરાત પોલીસની સતર્કતાને લીધે બધુ નાકામ થયુ છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં રૂ.5640 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ છે અને 431 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલાયાં છે.