આશ્ચર્યજન !! સુરતમાં માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા, જાણો સમગ્ર મામલો
કોઈપણ માણસ કોઈ ગુન્હો કરે તો તેને અદાલત દ્વારા સજા કરવામાં આવે છે આવી બાબતો આપણે સામાન્ય રીતે સાંભળી હોય છે પરંતુ કોઈ પ્રાણીને કેદની સજા સાંભળાવવામાં આવે આવી વાત સાંભળીને પણ આશ્ચર્ય થાય ત્યારે આવી એક ઘટના ગુજરાતમાં હકીકતમાં બની છે. સુરત જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ લોકોની હત્યા કરવા બદલ એક દીપડાને ‘આજીવન કેદ’ની સજા ફટકારવામાં આવી છે. રવિવારે સુરતના માંડવી નજીક એક અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશન બાદ પકડાયેલા દીપડાને વન વિભાગે આ સજા આપી હતી. આ દીપડાએ જિલ્લાના ગામડાઓમાં આતંક મચાવ્યો હતો
દિવાળીના તહેવાર સમયે માંડવીના એક ગામમાં રહેતા 7 વર્ષના બાળક અજય વસાવા પર દીપડાએ પેટના ભાગે હુમલો કર્યો હતો. જેને લઈને બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જે અંગે વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તે વિસ્તાર તરફ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે બાદ શિકારની શોધમાં દીપડો ફરી ત્યાં આવ્યો હતો અને પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. માંડવીના ઝંખવાવમાં હિંસક પ્રાણીઓને રાખવા માટે બનાવવામાં આવેલા દ. ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો આ દીપડો પહેલો કેદી બન્યો છે.
1.50 કરોડ રૂપિયાના ખર્ચે લેપર્ડ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર કરાયું
મળતી વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના જંગલોમાં દીપડાની સંખ્યા વધી રહી છે અને શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. પાલતુ પશુ કે શ્વાન પર હુમલો કરવા સિવાય દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલો કરી દે છે. જેથી આ પ્રકારના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. અગાઉ પણ માનવભક્ષી દીપડા પકડાઈ તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા હશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર ન હોવાથી વડોદરા ખાતે મોકલવામાં આવતા હતા. જોકે હવે માંડવીના ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે લેપર્ડ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર થઈ ગયું છે. જ્યાં 10 દીપડાને રાખી શકાય એટલી કેપેસિટી છે.
મહત્વનું છે કે, એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ જાય તો, બાદમાં તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. જેથી હવે આખી જિંદગી આ દીપડો માંડવીના રિહેબિલિટેશન સેન્ટરમાં વીતાવશે. જોકે, હવે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારીના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.
આ સેન્ટર બનાવવા પાછળ મુખ્ય બે કારણો
આ અંગે DCF આનંદ કુમારે જણાવ્યું હતું કે, માંડવીના ઝંખવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. આ સેન્ટર બનાવવા પાછળ મુખ્ય બે કારણો છે. જેમાંનું એક કારણ એ છે કે, જે દીપડો હેબિચ્યુઅલી માણસ ઉપર હુમલો કરે છે. તેને ત્યાં રાખવામાં આવશે અને બીજું કારણ એ છે કે, જે દીપડાને ઈજા થાય તો તેમની ટ્રીટમેન્ટ માટે તેમને અહીં રાખવામાં આવશે. આ સેન્ટર જંગલમાં જ બનાવવામાં આવ્યું છે. જેથી કરીને ત્યાં આવનાર દીપડાને પ્રાકૃતિક એન્વાયરમેન્ટ મળે અને ત્યાં તેમના ફૂડ અને વોટર ઇનટેકનું પણ ધ્યાન રાખવામાં આવશે..
