‘શેરબજારમાં કમાણી’ કરો, ડૉક્ટરે ઈન્સ્ટાગ્રામ ફિડમાં ક્લિક કર્યું’ને ગુમાવ્યા રૂપિયા…
પોતાના
વારા’ની રાહ જોતાં દર્દીઓને વેઈટિંગમાં રાખ્યાને તબીબનો વારો' આવી ગયો...!
શેરબજારમાં રોકાણ કરાવવાના નામે
કંગાળ’ કરી દેવાના ખેલ'નો રસપ્રદ કિસ્સો
શોર્ટકટથી નાણાં કમાઈ લેવાની લ્હાય ધરાવતાં લોકોએ ચેતવું જરૂરી નહીંતર થઈ જશો પાયમાલ
સોશ્યલ મીડિયાના જમાનામાં અત્યારે લોકોનું મહત્તમ કામ આંગળીના ટેરવે મતલબ કે અલગ-અલગ એપ્લીકેશન મારફતે થઈ રહ્યું છે. આ વાત ઘણી જ ફાયદાકારક છે પરંતુ તેના ગેરફાયદા પણ એટલા હોવાનું દરરોજ થઈ રહેલી છેતરપિંડીના કિસ્સા પરથી સાબિત થઈ રહ્યું છે. ખાસ કરીને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટસએપ આ ત્રણેય એપ્લીકેશનનો વપરાશ સૌથી વધુ રહેતો હોવાથી સાયબર માફિયાઓનો ડોળો હંમેશા અહીં રહેતો હોય છે. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં રોકાણના નામે ઉંચું વળતર અપાવી દેવાની લાલચ આપી ખંખેરી લેવાનો જે
ખેલ’ ચાલી રહ્યો છે તેમાં ડૉક્ટર સહિતના શિક્ષિત લોકો પણ સપડાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે જેમાં એક ડૉક્ટરને શેરબજારમાં કમાણી કરવાની લાલચ ભારે પડી ગઈ છે !
આમ તો શેરબજારમાં રોકાણ કરાવવાના નામે ઉંચી વળતર અપાવી દેવાનો ખેલ' અત્યારે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે અને રાજકોટ સહિત સમગ્ર દેશમાં દરરોજ મોટાપાયે લોકો તેનો ભોગ બની રહ્યા છે જેમાં ડૉક્ટર પણ બાકાત નથી. હંમેશા દર્દીઓથી ભર્યા રહેતાં ક્લિનિકમાં ડૉક્ટર પોતાના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. એક દર્દીનો વારો પૂર્ણ થયો એટલે ડૉક્ટરે પોતાનો મોબાઈલ હાથમાં લઈને ઈન્સ્ટાગ્રામ ઓપન કર્યું હતું. આ પછી તેઓ પોતાના પેઈઝને સ્ક્રોલ કરી રહ્યા હતા બરાબર ત્યારે જ તેમના ધ્યાન પર એક ફિડ આવી હતી જે જાહેરાતના રૂપમાં પ્રસ્તુત થઈ રહી હતી. ડૉક્ટરે એ ફિડ પર ક્લિક કર્યું એટલે તુરંત જ તેઓ વૉટસએપના ગ્રુપમાં એડ થઈ ગયા હતા. આ ગ્રુપમાં શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરી લીધાના એક બાદ એક સ્ક્રીનશોટ જોવા મળ્યા હતા.
શરૂઆતમાં તો ડૉક્ટરે આ બાબતે ધ્યાન આપ્યું ન્હોતું પરંતુ સવાર-બપોર-સાંજ વૉટસએપ ગ્રુપ પર આવી રહેલા સ્ક્રીનશોટથી તેમનું મન પણ લલચાયું હતું કેમ કે ગ્રુપમાં સામેલ લોકોએ કેટલી કમાણી કરી તેની ગવાહી આ સ્ક્રીનશોટ પૂરી રહ્યા હતા. આ પછી ડૉક્ટરને પણ શેરબજારમાં રોકાણ કરવાની લાલચ જાગી હતી અને તેમણે અમુક રકમનું રોકાણ કર્યું હતું. બે-ત્રણ વખત નાનું-નાનું રોકાણ કર્યા બાદ તેમને વળતર પણ મળતાં તેમને
હિંમત’ આવી ગઈ હતી અને પછી આંખ બંધ કરીને વૉટસએપમાં જે પ્રકારે દિશા-નિર્દેશ અપાયા તે પ્રમાણે તેમણે મોટી રકમ નાખી દીધી હતી. બસ, હવે ડૉક્ટર `શિકાર’ બની ગયા હતા અને જેટલી રકમનું રોકાણ કર્યું હતું તે તમામ સ્વાહા થઈ જવા પામ્યું હતું.
અત્રે મહત્ત્વની વાત એ છે કે આ રીતે ભોગ બનનારા ડૉક્ટર એકલા નથી બલ્કે ૭૭૭ લોકો એવા છે જેઓ શેરબજારમાં રોકાણ અથવા તો ટાસ્ક પૂરાવા કરવાના ચક્કરમાં કરોડો રૂપિયા ગુમાવી ચૂક્યા છે.
શેરબજારમાં રોકાણના નામે નવડાવી' દેવાનો ખેલ કેવી રીતે ચાલે છે ?
સમજો ઈન્સ્ટાગ્રામના અત્યારે દેશભરમાં કરોડો યુઝર્સ જેઓ સવાર-બપોર-સાંજ આ એપ્લીકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. આ વાતનો ફાયદો લઈ માફિયાઓ દ્વારા ઈન્સ્ટાગ્રામ મારફતે છેતરપિંડી કરવાનું વધુ પસંદ કરાઈ રહ્યું છે. માફિયાઓ દ્વારા શેરબજાર થકી માલામાલ કરી દેવાની જાહેરાત આપવામાં આવે છે. આ જાહેરાત પર એક ક્લિક કરાય એટલે સીધા વૉટસએપ ગ્રુપમાં એડ થઈ જવાય છે. એડ થયા બાદ સાયબર માફિયાએ પોતે જ ભાડે રાખેલા લોકો ગ્રુપમાં સામેલ હોય છે જેમનું કામ શિકારને લલચાવાનું હોય છે. આ લોકો દ્વારા આખો દિવસ વૉટસએપ ગ્રુપમાં માલામાલ થઈ ગયાના સ્ક્રીનશોટ અપલોડ કરવામાં આવે છે જે જોઈને કોઈ પણનું મન લલચાઈ જતું હોય છે. વળી, રોકાણ કરનારાને જે અમુક વળતર મળે છે તે પણ બીજા
શિકાર’ પાસેથી પડાવી લીધેલા પૈસામાંથી જ ચૂકવવામાં આવે છે ! મતલબ કે સાયબર માફિયાની રાતી પાઈ પણ જતી નથી. હા, તેમની બેનંબરી કમાણી કરોડો રૂપિયા થાય છે.
૧ જાન્યુ.થી લઈ ૧૩ ઑક્ટો. સુધીમાં ૭૭૭ લોકો બન્યા સાયબર ક્રાઈમનો ભોગ અડધો અબજ ગુમાવી દીધા, પરત મળ્યા માત્ર ૯.૩૦ કરોડ
સાયબર ક્રાઈમ પોલીસ મથક પાસેથી મળેલી વિગતો પ્રમાણે ૧ જાન્યુઆરીથી લઈ ૧૩ ઑક્ટોબર સુધીમાં ૭૭૭ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનવા પામ્યા છે. આ ૭૭૭ લોકો પાસેથી સાયબર માફિયાઓ દ્વારા ૫૨,૮૨,૩૮,૧૧૮ રૂપિયા ઉસેડી લેવામાં આવ્યા છે જેમાંથી પોલીસે ૯,૩૦,૬૭,૫૩૮ રૂપિયા પરત અપાવ્યા છે. પરત અપાવેલી રકમ પાછલા વર્ષ કરતાં ઘણી વધુ છે પરંતુ ગુમાવેલી રકમનો આંકડો પણ ચિંતાજનક છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં અલગ-અલગ ૩૯ ગુના પણ સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા નોંધવામાં આવ્યા છે.