રણછોડનગરમાં 17.20 લાખની લોન નહીં ભરનાર અસામીનું મકાન જપ્ત
રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા સિક્યુરાઇઝેશન એક્ટ મુજબ કાર્યવાહી
રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં નાગરિક સહકારી બેન્કમાંથી લોન લીધા બાદ સમયસર હપ્તા નહીં ભરપાઈ કરનાર મહિલા વિરુદ્ધ સિક્યુરાઇઝેશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવતા જિલ્લા કલેકટરના આદેશ અન્વયે રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા રૂ.17.20 લાખની લોન નહીં ભરનાર મહિલાનું મકાન કબ્જે લઇ નાગરિક બેન્કને મકાનનો કબ્જો સોંપી આપવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંકમાંથી ચડોતરા નીરૂબેન રાજેન્દ્રભાઈએ લોન મેળવી લોનની બાકી રહેતી રકમ રૂ.17,20,074-60 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમ ચુકવવામાં ન આવતા બાકી નાણાંની વસુલાત માટે સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ કાર્યવાહી કરી રણછોડનગર શેરી નં.-9માં આવેલ રેવન્યુ સર્વે નંબર 132 પૈકીની બિન ખેડવાણ અને રહેણાંકના ઇમારત બાંધવાની મંજૂરી વાળા ટીપી સ્કીમ નંબર 8 એફપી નંબર 53 પ્લોટ નંબર 231+232/3 ની જમીન ચો. વા. 92-09 ઉપર આવેલ મકાનનો કબ્જો મેળવી રાજકોટ નાગરિક સહકારી બેન્કના અધિકારીઓને સોંપી આપ્યો હતો.