જય ગિરનારીના નાદ સાથે એક દિવસ પહેલા જ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા
ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆર કારતક સુદ અગિયારસ એટલે કે દેવ દિવાળીએ શરૂ થતી હોય છે. ત્યારે દર વખતેની જેમ આ વખતે પણ દેવ દિવાળી પહેલા જ લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા તંત્રએ વહેલી પરિક્રમા શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા જ પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે. જય ગિરનારીના નાદ સાથે લોકો એ પરિક્રમા શરૂ કરી અને સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.
આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમાનો ધાર્મિક પર્વ આગામી 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી યોજવામાં આવશે, જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનું આરોગ્ય ન જોખમાય તે માટે પરિક્રમાના રસ્તે આવેલા યાત્રાળુઓને પડાવના સ્થળો જીણાબાવાની મઢી, સરકડીયા, મારવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવશે.
દર વખતની જેમ આ વખતે પણ ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે આ રૂટ પર વધારાની બસો પણ મુકવામાં આવી છે. યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પ્રકૃતિની મજા માણવાના હેતુ સાથે અહીં લોકો પુણ્યનું ભાંથુ બાંધવા માટે પણ આવે છે.પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ગિરનારની પરિક્રમા 36 કિલોમીટર છે. કેટલાક લોકો પરિક્રમા એક જ દિવસમાં પૂર્ણ કરી લે છે. તો અનેક લોકો જંગલમાં રાતવાસો કરીને પણ આ અદભૂત પરિક્રમાનો આનંદ માણે છે.
- પરિક્રમા વખતે વધારે સામાન સાથે ન રાખવો, નહિં તો તેને સાથે લઈને ફરવો મુશ્કેલી બને છે. જો તમારી સાથે વધારે સામાન છે તો ભવનાથ તળેટીની નજીકની હોટેલ અથવા ધર્મશાળામાં અમુક પૈસા આપીને સાચવવા આપી શકો છે. જ્યાં 30 થી 50 રુપિયા સુધીનો ચાર્જ લે છે.
- પરિક્રમા પર જતી વખતે કોઈ પણ પ્રકારની કિંમતી ચીજ વસ્તુ સાથે ન રાખવી.
- પરિક્રમા રુટ પર જમવાની પણ વ્યવસ્થા હોય છે એટલે ભોજનની ચિંતા કરવાની જરુરિયાત રહેતી નથી.
- પાણીની ભરેલી બોટલ સાથે રાખવી કારણ કે જે તે સ્થળે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તે થોડા દૂર દૂરના અંતરે આવેલ હોય છે.
- પરિક્રમા રુટ એ જંગલની વચ્ચે છે. માટે એકલા ક્યાંય ન જવું. જે માર્ગ નક્કી કરેલો છે. ત્યાંથી જ ચાલવું. અલગ રસ્તો ન પકડવો કારણકે અહીં જંગલી પ્રાણીઓ વસે છે.
- જંગલનું ચડાણ ઘણું કપરું છે. માટે સાથે એક લાકડી પણ રાખવી જેનાથી તમને ચડવા ઉતરવામાં થોડો ટેકો મળી શકે.
- એવું માનવામાં આવે છે કે જંગલમાં કોઈ ચીજ ભૂલીને ન આવવી અને કોઈ સાથે જંગલની સાથે લઈને ન આવવી.
- જો તમે રાત રોકાવાના હોવ તો એક જોડી કપડાં સાથે રાખવા જરુરી છે. કારણ કે અહીં ઝાડી ઝાંખરા હોવાથી જો ક્યાંક કપડાં ફસાઈ જતાં ફાટી જવાનો ભય રહે છે.
- જો તમે કોઈ બિમારીથી પીડિત છો તેની દવાલપણ સાથે રાખવી જરુરી છે.
- પરિક્રમા રુટ પર કોઈ પ્રાણી દેખાય તો તેની છેડતી ન કરો. પ્રાણી ઉશ્કેરાઈ જતાં તમારા પર હુમલો કરી શકે છે.
- રાતવાસો કરવાનો હોવ તો ટોર્ચ પણ સાથે રાખવી. પણ જરુર સિવાય તેનો ઉપયોગ ન કરવો.