દિલ્હીમાં કેનેડાની રાજદૂત કચેરી સામે હિન્દુ શીખ ફોરમ દ્વારા વિરોધ પ્રદર્શન
કેનેડામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર થયેલા હુમલાના વિરોધમાં રવિવારે હિન્દુ શીખ ગ્લોબલ ફોર્મના નેજા હેઠળ દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી કેનેડાની ભારતીય રાજદૂત કચેરી સામે જંગી દેખાવ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ અને શિક્ષણ સમુદાયના દેખાવકારોએ પોલીસ બેરિકેડો ઉથલાવી આગળ વધવાનો પ્રયત્ન કરતા ભારે તંગદીલી છવાઈ હતી.
સમગ્ર ચાણક્યપુરી વિસ્તારમાં ચાપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો. સલામતીના પગલાં રૂપે દેખાવકારોને તીન મૂર્તિ માર્ગ પર અટકાવી દેવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ ‘હિન્દુ શીખ એકતા ઝિંદાબાદ ‘ અને ‘ખાલીસ્તાન અને કેનેડા મુર્દાબાદ ‘જેવા સૂત્રો પોકાર્યા હતા.
એ તકે હિંદુ શીખ ગ્લોબલ ફોરમના પ્રમુખ તન્વીંદર સિંહ મારવાહે કહ્યું કે ખાલીસ્તાનની માગણી સાથે શરૂ થયેલા આતંકવાદને કારણે એક આખી પેઢીને સહન કરવું પડ્યું હતું. અનેક લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો દેશ છોડી બીજે વસવા માટે મજબુર બન્યા હતા. તે પછી એ જ તત્વો દ્વારા ડ્રગના સહારે પંજાબને ખોખલું બનાવવાનો પ્રયત્ન થયો.એ પછી ધર્માંતરણના ષડયંત્ર થયા અને હવે એ ભાગલાવાદી તત્વોએ મંદિરો પર હુમલા શરૂ કર્યા છે જે કોઈપણ સંજોગોમાં સાખી લેવાશે નહીં. તેમણે કહ્યું કે એક સાચો શીખ કદી ખાલીસ્તાનવાદી ન હોઈ શકે. પ્રદર્શનકરીઓએ એવા તત્વોને કેનેડામાં આપવામાં આવતા પ્રોત્સાહન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.