જમ્મુ કાશ્મીરમાં બે સ્થળે એન્કાઉન્ટર ઓફિસર સહિત ત્રણ જવાનો ઘાયલ
શ્રીનગર નજીકના જંગલમાં સામસામા ગોળીબાર
શનિવારે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં ભારતીય સેનાના જુનિયર કમિશનડ ઓફિસર સહિત ત્રણ જવાનો ઘાયલ થયા હતા.
બે દિવસ પહેલા કાશ્મીરના ગ્રામરક્ષક જૂથના બે સભ્યોના અપહરણ કરી હત્યા કરનાર આતંકીઓ કિષ્ટ્વાડ જિલ્લાના કુંતવારા અને કેશવન જંગલમાં છુપાયા હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ સુરક્ષા દળોએ એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ દરમિયાન ત્રણ થી ચાર આતંકવાદીઓએ ગોળીબાર કરતા સેનાએ વળતો જવાબ આપ્યો હતો અને આ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે ગ્રામરક્ષક જૂથના સભ્યોની હત્યાની જવાબદારી કાશ્મીર ટાઈગર સંગઠન દ્વારા લેવામાં આવી હતી.
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર વધતા જતા આતંકવાદી હુમલાઓ બાદ સેના દ્વારા જમ્મુ કાશ્મીરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ રવિવારે શ્રીનગર નજીકના ઝાંબરવન જંગલમાં પણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતીને પગલે પણ ઘેરાબંધી કરી હતી.એ દરમિયાન થયેલા સામસામા ગોળીબાર બાદ આતંકીઓ નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં.
ત્રણ દિવસમાં પાંચ આતંકવાદીઓનો ખાતમો
શનિવારે નોર્થ કાશ્મીરના રામપુર રાજપુર જંગલમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીનું ઢીમ ઢાળી દીધું હતું. શુક્રવારે સોપોર જિલ્લાના સગીપોરા ગામમાં છુપાયેલા બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એ જ દિવસે એક અલગ ઘટનામાં બાંદીપોરા અને ઉપવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.