જામનગરમાં લવ જેહાદ હિન્દુ નામ ધારણ કરી સગીરાનું અપહરણ કરનાર બે વર્ષે પકડાયો
માતા-પિતા માટે લાલ બતી રૂપ કિસ્સો,કોરોના વખત ઓનલાઈન અભ્યાસ કરતી સગીરને ઇન્સ્ટાગ્રામથી જાળમાં ફસાવી
રાજકોટ તા 7 જામનગરની એક સગીરાને હિન્દુ નામ ધારણ કરી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જનાર મૂળ ઉત્તર પ્રદેશના મુસ્લિમ શખ્સને બે વર્ષે જામનગર પોલીસે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી ઝડપી લઈ સગીરાને મુક્ત કરાવી હતી. જામનગરના આ ચકચારી લવ જેહાદના પ્રકરણમાં જામનગરમા રહેતી દલિત જ્ઞાતિની માત્ર સાડા 12.5 વર્ષની કુમળી વયની એક સગીરા ગત 25 જુલાઈ, 2021ના દિવસે લાપતા બની હતી. જેથી પોલીસમાં ગુમ હોવાની નોંધ કરાવાઈ હોવાનું અને તેનું કોઈ અજ્ઞાત શખ્સ અપહરણ કરી ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટની ઊંડાણપૂર્વકની તપાસ અને કોલ ડિટેઇલના આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. સગીરાનું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના કાળ દરમિયાન સગીરાના પિતા દ્વારા અભ્યાસ માટે તેની પુત્રીને મોબાઇલ ફોન અપાયો હતો. આ દરમિયાન તેણીએ ઇન્સ્ટાગ્રામમાં રાહુલ નામના યુવક સાથે મિત્રતા કેળવી હતી. જેથી પોલીસે રાહુલ નામના વ્યક્તિને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને તેનું સરનામું છેક ઉત્તર પ્રદેશનું હોવાનું સામે આવ્યું હતું.
જેથી જામનગર પોલીસ ઉત્તરપ્રદેશ સુધી પહોંચી હતી અને તપાસ દરમિયાન આરોપી હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાનું અને તેનું નામ અલ્તાફ ઉર્ફે બબલુ ઇરસાદ અન્સારી હોવાનું જાણવા મળ્યું હતું. જેના ઇન્સ્ટાગ્રામની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં તેણે રાહુલ ઉપરાંત અન્ય બે હિન્દુ નામ ધારણ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીઓના સંપર્કમાં રહેતો હતો. જેમાં જામનગરની સગીરા તેના સંપર્કમાં આવી ગઈ હતી અને હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી લઇ તેનું 25 જુલાઈ 2021ના દિવસે જામનગરમાંથી અપહરણ કરી ગયો હતો અને લાપતા બન્યો હતો આ આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા વધુ કવાયત કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીના આધારકાર્ડના નંબરથી એક સીમકાર્ડ ખરીદાયું હતું અને તે સીમકાર્ડ ચાલુ થતાં તેનું ટાવર લોકેશન મેળવવામાં આવ્યું હતું અને ટાવર લોકેશન મુંબઈના નાલાસોપારા વિસ્તારનું મળ્યું હતું. જેથી જામનગરની પોલીસ ટુકડીએ મુંબઈમાં ધામા નાખ્યા હતા અને આખરે નાલાસોપારા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો હતો. જેની સાથે સગીરા પણ મળી આવી હતી.
આ બંનેને જામનગર લઈ આવ્યા પછી તેની અટકાયત કરવામાં આવી હતી અને તેની સામે અપહરણ બાદ પોક્સોની કલમ, જ્યારે સગીરા દલિત જ્ઞાતિની હોવાથી એસ્ટ્રોસિટીની કલમ તેમજ સગીરા સાથે એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાથી દુષ્કર્મ ગુજારવા અંગેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવતા સગીરાને ધર્માંતરણ કરવા માટે પણ કારસો રચ્યાનું પણ તપાસમાં ખુલ્યું છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.