ધોરાજીમાં જંતુનાશક દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સો ઝડપાયા
વાવણી બાદ ખેડૂતો દવાની ખરીદી કરતાં હોય દુકાનમાં મોટો દલ્લો હોવાની શંકાએ ચોરી કરી
રાજકોટ. તા.૦૭
ધોરાજીમાં જંતુનાશક દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી ગોંડલના બે શખ્સોને ભૂતવડ ચોકડી પાસેથી દબોચી રોકડ, મોબાઈલ અને બાઇક મળી રૂ.૭૬ હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધાં હતાં. વાવણી બાદ ખેડૂતો દવાની ખરીદી કરતાં હોય દુકાનમાં મોટો દલ્લો હોવાની શંકાએ બંનેએ ચોરી કરી હતી.
ધોરાજીમાં અવેડા ચોક પાસે રહેતાં પરેશભાઇ લક્ષમણભાઇ શિરોયાની ધોરાજી જેતપુર રોડ ઉપર આવેલ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાનમાં જંતુનાશક દવાની દુકાનમાં ગઇ તા.૦૪/૦૮/૨૦૨૩ રોજ રૂ.૬૩ હજાર રોકડની ચોરી થઈ હતી જે બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી આ ચોરીમાં રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ ડી.જી.બડવા, એચ.સી.ગોહિલે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા એહમદ ઉર્ફે ચુચો મુના ચામડિયા (ઉ.વ૩૦), રિઝવાન ઉર્ફે ટીલી મુસ્તાક માંડવીયા (ઉ.વ.૨૭) ને ભૂતવડ પાટિયા પાસેથી ઝડપી લઈ રોકડ રૂપીયા પાંચ હજાર, મોબાઈલ ફોન-૪ અને બાઇક મળી કુલ રૂ.૭૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ એહમદ ઉર્ફે ચુચો વિરૂદ્ધ સૌરાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં ઘરફોડ ચોરી સહિતના અનેક ગુના નોંધાયેલ છે તેમજ રિઝવાન ઉર્ફે ટીલી વિરૂદ્ધ પણ અનેક ગુનામાં સંડોવાયેલો છે.
