અમારાથી નહીં થાય !! બોક્સ ક્રિકેટની યોજનાને પડતી મુકતી રાજકોટ મહાપાલિકા
- બોક્સ ક્રિકેટથી રમત-ગમતને પ્રોત્સાહન નહીં મળે ઉલટાનું ન્યુસન્સ વધશે: તંત્રનો તર્ક !
- આત્મીય કોલેજ તેમજ પેડક રોડ પર ભારે વિરોધ થયા બાદ હવે રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ બનાવવાનું તંત્રએ માંડી વાળ્યું
- ખાનગી ધંધાર્થીઓને `ફાયદો’ કરાવવા માટે તંત્રને પીછેહઠ કર્યાનો પણ ગણગણાટ
રાજકોટમાં હવે ગ્રાઉન્ડની સંખ્યા બહુ જૂજ રહી હોવાથી નિયમિત ક્રિકેટ રમતાં રમતવીરોને રીતસરની અકળામણ થઈ રહી હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી બોક્સ ક્રિકેટનું ચલણ વધી રહ્યું હોવાથી લોકો ત્યાં જઈને ક્રિકેટ રમી રહ્યા છે. જો કે પ્રાઈવેટ બોક્સ ક્રિકેટનો ચાર્જ ઘણો જ વધુ હોવાથી ઘણા લોકોને તે પરવડી રહ્યો નથી. લોકો સસ્તા ભાવે ક્રિકેટ રમી શકે તે માટે મહાપાલિકા દ્વારા બજેટમાં મોટાઉપાડે ત્રણેય ઝોનમાં એક-એક બોક્સ ક્રિકેટની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે આખરે પડતી મુકવાની નોબત આવી છે.
અગાઉ આત્મીય કોલેજ પાસે ગોખકામેશ્વર મંદિર પાછળના પ્લોટમાં તેમજ પેડક રોડ ઉપર બોક્સ ક્રિકેટ બનાવવાને લઈને ભારે વિરોધ થતાં મહાપાલિકાએ અહીં આ સુવિધા ઉભી કરવાનું માંડી વાળ્યું હતું. જ્યારે ત્રીજા સ્થળ તરીકે રેસકોર્સની પસંદગી કરવામાં આવી હતી પરંતુ ત્યાં પણ વિરોધવંટોળ તેમજ અમુક વ્યાજબી કારણોસર બોક્સ ક્રિકેટ બને તો મુશ્કેલી ઉભી થાય તેમ હોવાથી હવે અહીં પણ બોક્સ ક્રિકેટ બનાવવાનું નામંજૂર કરી દેવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રેસકોર્સમાં બોક્સ ક્રિકેટ બનાવવાની કરાયેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરતા હવે મહાપાલિકા શહેરમાં કોઈ સ્થળે બોક્સ ક્રિકેટ બનાવશે નહીં તે નક્કી થઈ ગયું છે.આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે રેસકોર્સમાં જે સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવાનું નક્કી કરાયું હતું બરાબર તેની સામે જ કલ્પના ચાવલા મહિલા ગાર્ડન આવેલું છે જ્યાં મહિલાઓની અવર-જવર રહે છે એટલા માટે ત્યાં બોક્સ ક્રિકેટ બનાવવાથી ન્યુસન્સ થઈ શકે તેમ હોવા ઉપરાંત જ્યાં આ સુવિધા ઉભી કરવાની હતી ત્યાં ટૂંક સમયમાં મહાપાલિકા દ્વારા આદિવાસી સમાજના ગૌરવ એવા બિરસા મુંડાજીની પ્રતીમા મુકવાની હોવાથી આ યોજનાને પડતી મુકી દેવામાં આવી છે.