રાજકોટનો જવેલર્સ પુત્ર પકડાયો તે જુગાર ક્લબ દરોડામાં પોલીસને ગુમરાહ કરાઈ
ટંકારામાં હાઈપ્રોફાઈલ જુગારીએ ખોટું નામ દર્શાવી પોલીસને ઉઠા ભણાવ્યા
તીર્થ અશોકભાઈ ફળદુ નામનો જુગારી રવિ પટેલ બની જતા ફરિયાદમાં વધુ એક કલમ ઉમેરાઇ
રાજકોટ -મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક હોટલ કમ્ફર્ટમાં કેસીનો સ્ટાઇલ જુગાર કલબમાં પાડવામાં આવેલા દરોડામાં રાજકોટના જાણીતા જવેલર્સ પુત્રની સાથે ઝડયાયેલા એક આરોપીએ પોલીસને ઉઠા ભણાવી પોતાનું ખોટું નામ આપ્યાનો ધડાકો થતા પોલીસે રવિ પટેલ નામ ધારણ કરનાર આરોપી તીર્થ અશોકભાઈ ફળદુ સામે પોલીસને ગુમરાહ કરવાની કલમનો ઉમેરો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકામાં આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમ ભાડે રાખી કેસીનોની જેમ ટોકન ઉપર જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા,રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રહે. ગામ ખરેડી તા. કાલાવડ, રવિ મસુખભાઈ પટેલ, રહે- મોરબી, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, રહે. રાજકોટ અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા, રહે. મોરબી અવની રોડ, મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ પકડી લીધા હતા.
જો કે, હાઈપ્રોફાઈલ જુગારધામમાં જુગાર રમતા ઝડપાઇ ગયેલા તીર્થ અશોકભાઈ ફળદુએ કળા કરી પોલીસને પણ ઊંધા ચશ્માં પહેરાવી પોતાનું નામ રવિ મનસુખભાઇ પટેલ હોવાનું જણાવતા પોલીસે રવિ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જો કે આખરે તીર્થ અશોકભાઈ ફળદુનો ભાંડો ફૂટી જતા જુગારધારા મુજબ નોંધાયેલ આ ફરિયાદમાં ટંકારા પોલીસે, આરોપી તીર્થ ફળદુ વિરુદ્ધ પોલીસને ગુમરાહ કરવાની કલમનો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળે છે.