સરકારી ભરતી-પરીક્ષાની કમાન હવે હસમુખ પટેલના હાથમાં
GPSCના નવા ચેરમેન બન્યા સીનિયર આઈપીએસ અધિકારી પટેલ: પોલીસ ભરતી બોર્ડના પ્રમુખપદેથી આપશે રાજીનામું
છેલ્લા બે વર્ષથી ચેરમેનનું પદ ખાલી પડ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લઈને ગુજરાતના સીનિયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (જીપીએસસી)ના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલ અત્યાર સુધી પોલીસ ભરતી બોર્ડના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતા જે પદ ઉપરથી તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપશે.
જીપીએસસીના ચેરમેન તરીકે ૨૦૧૬થી ૨૦૨૨ સુધી દિનેશ દાસાએ જવાબદારી સંભાળી હતી. જો કે તેમના નિવૃત્ત થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું જ્યાં સરકારે ૧૯૯૩ની બેચના આઈપીએસ અધિકારીને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો હતો. સરકારે આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે હસમુખ પટેલની ઓળખ ઈમાનદાર અધિકારી તરીકે થાય છે અને તેમના વડપણ હેઠળ જ અનેક પરીક્ષા લેવામાં આવી રહી છે. હવે તેઓ ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (જીપીએસસી)ના ચેરમેન બન્યા છે ત્યારે દરેક પ્રકારની સરકારી ભરતી તેમજ પરીક્ષાની કમાન હવે તેમના હાથમાં રહેશે અને તેમના માર્ગદર્શન હેઠળ જ દરેક પરીક્ષા લેવાયા બાદ ભરતી કરવામાં આવશે.
હસમુખ પટેલ બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. ૨૩ જૂન-૧૯૬૫માં જન્મેલા હસમુખ પટેલનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું પરંતુ પાંચ માર્ક ઓછા આવવાને કારણે મેડિકલના બદલે તેમણે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. તેઓ બે વખત સિવિલ સર્વિસ પાર કરી ચૂક્યા છે. તેમણે એસપી તરીકે વલસાડ, સુરત, પોરબંદર અને ભાવનગર રેલવેમાં ફરજ બજાવી છે. આ ઉપરાંત ડીઆઈજી-આઈજીપી તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એસીબી અને પ્લાનિંગ એન્ડ મોર્ડનાઈઝેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવી છે.
ચેરમેન તરીકેની જવાબદારી મળ્યા બાદ હસમુખ પટેલે કહ્યું હતું કે કોઈ પણ પબ્લીક બોર્ડ કે સંસ્થા મહત્ત્વની હોય છે. મને આ જવાબદારી મળી છે ત્યારે હું સંપૂર્ણ વફાદારીથી તેનું વહન કરીશ. તેઓ ૧૧ નવેમ્બરે ચેરમેન તરીકે ચાર્જ સંભાળશે.
