રાજકોટનું સૌથી ઠંડુ’ પોલીસ મથક એટલે થોરાળા: ગુન્હાખોરી શેરબજારની જેમ ધડામ…
જ્યાં સૌથી વધુ દારૂ-જુગાર પકડાય છે, ગમે ત્યારે મારામારી સહિતના બનાવો બને છે ત્યાં ત્રણ મહિનાની અંદર ગુન્હાખોરી-ગુન્હેગારોકાબૂ’માં આવી ગયાનું ઉપસતું ચિત્ર
જો કે અન્ય વિસ્તારોની માફક અહીં પણ ઘરફોડી નોંધપાત્ર: થોરાળા પોલીસ ઉપરાંત પીસીબી-ડીસીબી-એલસીબીની જબરદસ્ત ધોંસ'થી ગુંડાતત્ત્વો-બૂટલેગરો ભોંભીતર

રાજકોટના કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે દારૂ-જુગાર માટે સૌથી કુખ્યાત વિસ્તાર કયો ? આવો પ્રશ્ન દસ લોકોને પૂછવામાં આવે તો તેમાંથી સાત લોકો ક્ષણભરનો વિચાર કર્યા વગર કહી દેશે કે થોરાળા...! એકાદ-બે નહીં બલ્કે છેલ્લા ઘણા વર્ષોથી થોરાળા વિસ્તાર દેશી-વિદેશી દારૂની બદી તેમજ જુગાર માટે વગોવાઈ ગયો છે. જો કે પાછલા થોડા સમયથી પોલીસે આ વિસ્તાર ઉપર ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરીને એક બાદ એક ધોંસ બોલાવવાનું શરૂ કરતાં અત્યારે સ્થિતિ એવી છે કે અન્ય પોલીસ મથકની તુલનાએ થોરાળા પોલીસ મથક વિસ્તાર એકદમઠંડો’ પડી ગયો છે. આવું અમે નથી કહેતા બલ્કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન પોલીસ ચોપડે નોંધાયેલી ગુન્હાખોરીના આંકડા કહી રહ્યા છે કે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં ગુન્હાખોરીનો ગ્રાફ શેરબજારના સેન્સેક્સની જેમ ધડામ થઈ ગયો છે !

જ્યાં સૌથી વધુ દારૂ-જુગારના કેસ થઈ રહ્યા હતા તે થોરાળા પોલીસ મથકમાં જૂલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનામાં કેસની સંખ્યાએ માતબર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ગમે ત્યારે મારામારી થઈ જવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર ઘટ આવી હોવાનું આંકડા પરથી લાગી રહ્યું છે. એકંદરે ત્રણ મહિનામાં અહીં નોંધાયેલી ગુન્હાખોરી અને ગુન્હેગારો કાબૂમાં આવી ગયા હોય તેવું ચિત્ર પ્રાપ્ત થયેલા આંકડા પરથી ઉપસ્થિત થઈ રહ્યું છે.
જો કે ચિંતાની વાત એ પણ છે કે અન્ય વિસ્તારોની માફક અહીં પણ ઘરફોડ ચોરીના કેસ નોંધપાત્ર થઈ રહ્યા છે. વળી, આ ચોરીના ઉકેલ લાવવામાં પોલીસ ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્રણ મહિનાની અંદર અહીં છ ઘરફોડ ચોરીના બનાવ બન્યા છે જેમાં બે ચોરીને અંજામ આપનારા આરોપી સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી. આ ઉપરાંત અહીં ત્રણ મહિનાની અંદર હત્યાનો એક બનાવ નોંધાયો છે જેનો આરોપી પણ દબોચાઈ ચૂક્યો હતો. અન્ય ગુન્હાની વાત કરવામાં આવે તો અહીં મારામારીના છ બનાવ જ ચોપડે નોંધાયા છે.
બીજી બાજુ પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાએ ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સંવેદનશીલ વિસ્તારના પોલીસ મથકના સ્ટાફને દારૂ-જુગારની બદી ઉપર તૂટી પડવા ઉપરાંત મહત્ત્વની બ્રાન્ચોને પણ આ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક દરોડા પાડવા આદેશ આપતાં જ પીસીબી, ડીસીબી, એલસીબીએ પણ અહીં મહદ અંશે દરોડા પાડતાં ગુન્હેગારોમાં ક્યારેય ન જોવાયો હોય તેવો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ખાસ કરીને પોલીસ કમિશનરને વિદેશી દારૂના વેચાણ તેમજ દેશી દારૂની ભઠ્ઠીથી સખ્ત નફરત હોય તેમણે સ્ટાફને આ બદી ડામવા માટે ગમે તે પ્રયાસ કરવા પડે તે કરવા માટે આદેશ આપ્યો હતો એટલા માટે જ દારૂની હેરાફેરી તેમજ વેચાણ માટે કુખ્યાત થોરાળા વિસ્તારમાં પોલીસે એક બાદ એક રેડ પાડતાં બૂટલેગરો અત્યારે શોધ્યા ચડી રહ્યા નથી.
