‘મન કી બાત’ : દરેક વર્ગના લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે
ભયને લીધે ઘણા લોકોએ રૂપિયા ગુમાવ્યા છે, કોઈએ ડરવાની જરૂર નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના કાર્યક્રમ મન કી બાતમાં ડિજિટલ અરેસ્ટ વિશે લોકોને સાવધ કર્યા હતા. સાથોસાથ તેમણે આત્મનિર્ભર ભારત, સરદાર પટેલ ભગવાન બિરસા મુંડાને પણ યાદ કર્યા હતા.
ડિજિટલ અરેસ્ટ સ્કેમ વિશે જણાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘દરેક વય અને વર્ગના લોકો ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યા છે. ભયના કારણે લોકોએ પોતાની મહેનતથી કમાયેલા લાખો રૂપિયા ગુમાવ્યા છે. જો તમને ક્યારેય આવો ફોન આવે તો તમારે ડરવાની જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ તપાસ એજન્સી ક્યારેય ફોન કૉલ અથવા વીડિયો કૉલ પર આવી પૂછપરછ કરતી નથી.’
આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું કે ‘કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વ્યવસ્થા નથી, તે માત્ર છેતરપિંડી, જુઠ્ઠાણું, બદમાશોની ટોળકી છે અને જેઓ આવું કરી રહ્યા છે તે સમાજના દુશ્મન છે. ડિજિટલ અરેસ્ટના નામે ચાલી રહેલી છેતરપિંડીનો સામનો કરવા માટે તમામ તપાસ એજન્સીઓ રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.’
વડાપ્રધાને ડિજિટલ અરેસ્ટથી બચવા કહ્યું કે ‘હું તમને ડિજિટલ સુરક્ષાના ત્રણ સ્ટેપ કહીશ’ આ ત્રણ સ્ટેપ છે રાહ જુઓ, વિચારો અને એક્શન લો.
સૌથી પહેલુ : સ્ટેપ કૉલ આવે કે તરત જ ‘રાહ જુઓ’, ગભરાશો નહીં, શાંત રહો, ઉતાવળે કોઈ પગલું ન ભરો, તમારી અંગત માહિતી કોઈને ન આપો, શક્ય હોય તો સ્ક્રીનશોટ લો અને રેકોર્ડિંગ કરો.
બીજુ સ્ટેપ છે ‘વિચારો’ : કોઈ સરકારી એજન્સી ફોન પર આવી ધમકીઓ આપતી નથી, ન તો વીડિયો કોલ પર પૂછપરછ કરતી નથી, ના તો આ રીતે પૈસાની માંગણી કરતી હોય છે, તો સમજો કે કંઈક ખોટું છે.
ત્રીજુ સ્ટેપ છે ‘એક્શન લો’. નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 ડાયલ કરો, http://cybercrime.gov.in પર રિપોર્ટ કરો, પરિવાર અને પોલીસને જાણ કરો, પુરાવા સાચવો.
નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘હવે આત્મનિર્ભર ભારત અભિયાન એક જન આંદોલન બની રહ્યું છે. આ મહિને અમે લદ્દાખના હેનલેમાં એશિયાના સૌથી મોટા ‘ઇમેજિંગ ટેલિસ્કોપ MACE’નું ઉદ્ઘાટન કર્યું. તે 4300 મીટરની ઉંચાઈ પર આવેલું છે. જ્યાં -30 ડિગ્રી જેટલી ઠંડી હોય છે, જ્યાં ઓક્સિજનની પણ અછત હોય છે, ત્યાં આપણા વૈજ્ઞાનિકો અને સ્થાનિક ઉદ્યોગોએ એવું કર્યું છે જે એશિયાના અન્ય કોઈ દેશે કર્યું નથી. હેન્લી ટેલિસ્કોપ ભલે દૂરની દુનિયાને જોઈ રહ્યું હોય, પરંતુ તે આપણને આત્મનિર્ભર ભારતની શક્તિ પણ બતાવી રહ્યું છે.’
નરેન્દ્ર મોદીએ લોખડી પુરુષ સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાને યાદ કરતા કહ્યું કે ‘ભારતે દરેક યુગમાં કેટલાક પડકારોનો સામનો કર્યો છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ 31મી ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી 15 નવેમ્બરથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ શરૂ થશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આ તહેવારોની સિઝનમાં આપણે બધા આત્મનિર્ભર ભારતના આ અભિયાનને મજબૂત કરીએ. આપણે વોકલ ફોર લોકલના મંત્ર સાથે અમારી ખરીદી કરીએ છીએ. આ એ નવું ભારત છે જ્યાં મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ બની ગયું છે. આપણે માત્ર ભારતને આત્મનિર્ભર બનાવવાનું નથી પણ આપણા દેશને નવીનતાના વૈશ્વિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવું છે.’
