ઓડિટ રિટર્ન ફાઇલ કરવામાં મળી રાહત: 15 નવેમ્બર સુધી મળી મુદત
દિવાળીના તહેવારના લીધે 31 ઓક્ટોબરના બદલે આ મુદતમાં વધારો કરી આપતા લાખો કરદાતાઓને થયો હાશકારો
સીબીડીટી ઇન્કમટેક્સ પર રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. ઓડિટ રિટર્ન ફાઇલ કરતા કરદાતાઓને રિટર્ન ફાઇલ કરવા માટેની અંતિમ મુદત 31 ઓક્ટોબર હતી પરંતુ દિવાળીના તહેવારના લીધે હવે આ રિટર્ન ફાઇલ કરવાની નવી તારીખ 15 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે જેના લીધે લાખો કરદાતાઓ અને કંપનીઓને હાશકારો થયો છે.
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2024- 25 માટે કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઓડિટ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 દિવસ સુધી લંબાવી દીધી છે જેમાં 15 નવેમ્બર સુધી ઓડિટ રિટર્ન ફાઇલ કરી શકાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આ અંગેનો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તહેવારોના લીધે ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની સમય મર્યાદા વધારે દેવામાં આવી છે. આ નિર્ણયના પગલે ગુજરાત સહિત દેશભરના લાખો કરદાતાઓને તેમજ કરવેરા સલાહકારોને રાહત મળી છે.