ડૉક્ટરનું મકાન ભાડુઆતે પચાવી પાડ્યું
સંબંધના દાવે ત્રણ વર્ષ પહેલાં ભાડે આપ્યું’ને ઉપરના આખા માળ પર કબજો કરી લેતાં ફરિયાદ
રાજકોટના નાનામવા મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરા વિસ્તારમાં ડૉક્ટરનું મકાન ભાડુઆતે પચાવી પાડતાં પોલીસે બે મહિલા સહિત ચાર લોકો સામે ગુન્હો નોંધ્યો છે.
આ અંગે પંચવટી હોલની પાછળ પંચરત્ન પાર્કમાં રહેતાં ૭૩ વર્ષીય ડૉક્ટર લક્ષ્મણભાઈ ખીમજીભાઈ ચાવડાએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમણે ૨૦૨૧માં યોગેશ સાકરચંદ આશરા અને તેમના પત્નીને ભાડેથી મકાન આપ્યું હતું. આ મકાન દાસીજીવણપરા શેરી નં.૧માં આવેલું છે જેનું ક્ષેત્રફળ ૧૬૧ વાર જેટલું થવા જાય છે. બે માળના મકાનમાં ઉપરનો માળ કે જ્યાં બે રૂમ, રસોડું, ટોયલેટ-બાથરૂમ આવેલું છે ત્યાં યોગેશ અને તેના પત્ની રક્ષા, તેમનો પુત્ર તેજસ, પુત્રી દિવ્યા સહિતના રહેતા હતા.
ત્રણ વર્ષથી આ મકાન ભાડે આપ્યું હોવાથી યોગેશ અને તેના પરિવારની દાનત બગડી હતી અને તેમણે ઉપરના માળે કબજો લઈ ખાલી કરવાનો ઈનકાર કરી દેતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચાર લોકો સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.