બાબા સિદ્દીકી નો પુત્ર ઝીશાન અજીત પવારની એનસીપીમાં જોડાઈ ગયો
તાજેતરમાં જ હત્યાનો ભોગ બનેલા બાબા સિદ્દીકીનો પુત્ર ઝિશાન ધારણા મુજબ જ શુક્રવારે સતાવાર રીતે અજીત પવારની એનસીપીમાં જોડાઈ ગયો હતો. 2019 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાંદ્રા પૂર્વની બેઠક ઉપર વિજય થયેલા ઝિશાન ને વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરવા બદલ ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસે સસ્પેન્ડ કર્યો હતો. ઝીશાન હવે એ બેઠક ઉપરથી એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. એ બેઠક ઉપર તેનો સામનો શિવસેનાના ઉમેદવાર અને આદિત્ય ઠાકરેના પિત્રાઈ વરૂણસર દેસાઈ સામે થશે
એનસીપીમાં જોડાયા બાદ ઝીશાને કહ્યું કે ભૂતકાળમાં ઘણા લોકોએ મારી સામે રાજકીય મુદ્દા ઉઠાવ્યા છે. મેં તાજેતરમાં જ મારા પિતાને ગુમાવ્યા છે પણ લોકોએ તેના ઉપર રાજકારણ કર્યું. તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ ઉપર જઈને પોતાનો ચહેરો બતાવવાનો છે. હું જ્યારથી સમજણો થયો ત્યારથી કોંગ્રેસમાં હતો પણ દુઃખની વાત એ છે કે કોંગ્રેસે મારી કદર નથી કરી.
તેમણે વધુમાં કહ્યું કે આ બેઠક ઉપરથી હું વિજય બનું અને લોકોના અધિકારો માટે લડતો રહું તે મારા પિતાનું સ્વપ્ન હતું. મારા શરીરમાં તેમનું રક્ત દોડે છે અને હું તેમનું સ્વપ્ન પૂરું કરીશ અને આ બેઠક ઉપર વિક્રમ સર્જક સરસાઈથી વિજય મેળવીશ.
પિતા પુત્ર બંનેએ કોંગ્રેસને છેહ આપ્યો
40 વર્ષ સુધી કોંગ્રેસમાં રહેલા બાબા સિદ્દીકીની રાજકીય કારકિર્દીનો પ્રારંભ યુથ કોંગ્રેસ સાથે થયો હતો. સુનીલ દત્તની આંગળી પકડી તેઓ રાજકારણમાં આગળ આવ્યા હતા. 1999 2004 અને 2009માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ ધારાસભ્ય બન્યા હતા. મુંબઈ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડન્ટ તરીકેની ફરજ પણ તેમને સોંપવામાં આવી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગજ નેતા તરીકે તેમની ગણના થતી હતી. જોકે 2024 ની સંસદની ચૂંટણી પહેલા તેઓ અજીત પવારની એનસીપીમાં જોડાઈ ગયા હતા. તેમનો પુત્ર ઝીશાન 2019 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાંદ્રા પૂર્વની બેઠક પર ચૂંટાયો હતો. કોંગ્રેસે તેને લેજિસ્લેટર કાઉન્સિલની ચૂંટણીમાં ક્રોસ વોટીંગ કરવા બદલ ઓગસ્ટ મહિનામાં સસ્પેન્ડ કર્યો હતો.
કોંગ્રેસે 48 ઉમેદવારોની યાદી જાહેર કરી: તમામ દિગ્ગજો મેદાનમાં: 25 સીટિંગ ધારાસભ્યો રીપીટ
કોંગ્રેસે 48 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં 25 સીટિંગ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટાભાગના દિગજ નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ યાદી મુજબ પક્ષ પ્રમુખ નાના પટોલે શાકેલીની બેઠક પરથી, વિપક્ષના નેતા વિજય વાડેટ્ટીવાર બ્રહ્મપુરીની બેઠક ઉપરથી અને ભૂતપૂર્વ પક્ષ પ્રમુખ બાલાસાહેબ થોરાટ સાંગમેર તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ કરાડ દક્ષિણની બેઠક પરથી ચૂંટણી લડશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના બંને પુત્રો અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ અનુક્રમે લાતુર શહેર અને લાતુર ગ્રામ્ય ની બેઠક પરથી ગત ચૂંટણીમાં વિજય થયા હતા. એ બંનેને એ બેઠકો પર રીપીટ કરાયા છે. ભાજપમાંથી પરત ફરેલા ગોપાલદાસ અગ્રવાલ ને ગોંધીયા અને ડોક્ટર સુનિલ દેશમુખને અમરાવતીની બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં ચાર મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં વર્કિંગ પ્રેસિડેન્ટ નસીમ ખાન કાંદીવલી ની બેઠક પરથી, મુઝફર હુસેન મીરાં ભાયંદર, અસલમ ખાન મલાડ વેસ્ટ અને આમીન પટેલ મુમ્બાદેવીની બેઠકો પરથી ચૂંટણી લડશે.
શરદ પવાર નો મોટો ખેલ: બારામતીમાં અજીત પવાર સામે સગો ભત્રીજો: અહેરીની બેઠક પર પિતા પુત્રી સામસામે
એનસીપી ( શરદ પવાર ) દ્વારા પણ 45 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં બારામતીની બેઠક પરનો જંગ રસપ્રદ બનવાના એંધાણ છે. બારામતીને અજીત પવારનો ગઢ માનવામાં આવે છે. એ બેઠક ઉપરથી ખૂદ અજીત પવાર ચૂંટણી લડવાના છે ત્યારે શરદ પવારની એનસીપીએ એ બેઠક પર અજીત પવારના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્રને મેદાનમાં ઉતાર્યો છે. નોંધનીય છે કે સંસદની ચૂંટણી સમયે બારામતી ની બેઠક પર શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે સામે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડ્યા હતા. જોકે પ્રતિષ્ઠાભરી એ બેઠક ઉપર સુપ્રિયા સુલેનો વિજય થયો હતો. બાદમાં અજીત પવારે પોતાની બહેન સામે પત્નીને ચૂંટણી લડાવવાનું પગલું ભૂલ ભરેલું હતું તેવી જાહેર કબુલાત કરી હતી. હવે એ બેઠક ઉપર તેમની સામે તેમના જ ભાઈના પુત્રને મેદાનમાં ઉતારી શરદ પવારે મોટો ખેલ નાખ્યો છે. એ જ રીતે અહેરીની બેઠક પણ રસપ્રદ બની ચુકી છે.
અજીત પવારની એનસીપી તરફથી એ બેઠક ઉપર બાબા અત્રામ ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો તેમના પુત્રી ભાગ્યશ્રી શરદ પવાર ની એનસીપીમાંથી
ચૂંટણી લડશે. આ બેઠક ઉપર પિતા પુત્રી વચ્ચે જંગ જામશે.ઉલ્લેખનીય છે કે અજીત પવાર દ્વારા અત્યાર સુધીમાં 38 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તેના 95 ટકા વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરાયા છે.