એડવોકેટની ઓફિસમાં ભત્રીજાનો આતંક : છરીની અણીએ પાંચ લાખની માંગણી કરી
ઈન્દિરા સર્કલ પાસે આવેલી ઓફિસમાં ઘૂસી જઇ કોમ્પ્યુટર લૂંટી ગયો : ધાક ધમકી આપતા પોલીસે પકડ્યો
રાજકોટના પુષ્કરધામ મેઈન રોડ ઉપર વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટના ભત્રીજાએ ઈન્દિરા સર્કલ પાસે આવેલ તેમની ઓફિસે ખુલ્લી છરી સાથે આતંક મચાવી પાંચ લાખની માંગણી કરી કોમ્પ્યુટર લઈ જતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
વિગતો મુજબ પુષ્કરધામ મેઈન રોડ પર વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ વિનોદભાઈ અરવિંદભાઈ જોષી ઉ.વ.42એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભત્રીજા જૂનાગઢના ભાર્ગવ વિપુલ જોશીનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, ઈન્દિરા સર્કલ પાસે શિલ્પન સ્ક્વેરમાં ઓફિસ ધરાવે છે. વકીલ વિનોદભાઈ ધોરાજી હતા ત્યારે રાજકોટ ઓફિસેથી ફોન આવ્યો કે, તેમનો ભત્રીજો ભાર્ગવ જોશી છરી સાથે ઓફિસમાં ધસી આવ્યો છે. અને ઓફિસના સ્ટાફ પ્રણવભાઈ સાંગાણી સાથે ગાળાગાળી કરી છરીથી કોમ્પ્યુટરના વાયર કાપી નાખી કોમ્પ્યુટર લુંટીને ભાગી ગયો છે.જેથી આ બાબતે રાજકોટ આવી ભત્રીજા વિપુલને ફોન કરતા વિપુલે ધંધો કરવા માટે અને દેણુ ચુકવવા માટે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અને તો જ ઓફિસનું કોમ્પ્યુટર પરત આપીશ તેવું જણાવ્યું હતું.જેથી આ બાબતે એડવોકેટ વિનોદભાઈ જોશીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઈ હાર્દિક રવિયાએ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.