ખાવાના તેલમાં શું લાગશે ભડકો ? તહેવારોમાં શું થશે ? વાંચો
ખાવાના તેલના વધતાં ભાવને લીધે લોકોના રસોડાના બજેટ ખોરવાઇ ગયા છે. તહેવારોના દિવસોમાં પણ રાહત મળી નથી અને હવે તેલના ભાવમાં વધુ વધારો તોળાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ખાવાનું તેલ વધુ મોંઘું થઈ શકે છે તેવી સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પામ ઓઇલના ભાવમાં છેલ્લા 3 દિવસમાં ભારે વધારો થયો છે અને તેને પગલે બાજી બગડી શકે એમ છે. એટલે કે તહેવારોમાં જ ભાવ વધી શકે છે અને તેની પૂરી શક્યતા હોવાનું બજારના નિષ્ણાતોએ જણાવ્યું છે.
ખવાના તેલમાં આત્મનિર્ભર બનવા માટે સરકારે 14 સપ્ટેમ્બરે પામ અને બીજા ખાવાના તેલ પર 20 ટકા આયાત ડયુટી લગાવવાનો નિર્ણય લીધો હતો. આ પગલાંથી ઘરેલુ બજારમાં તેલના ભાવ ઊંચે જઈ રહ્યા હતા. આજે પણ ભાવ વધારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું 60 ટકા તેલ આયાત કરે છે. આગામી દિવસોમાં ખાવાનું તેલ લોકોને વધુ દઝાડી શકે છે. તહેવારોમાં લોકોને વધુ ખર્ચ કરવો પડશે. મોંઘવારી હજુ પણ અસહ્ય જ છે ત્યાં વળી પાછો ભાવ વધારો આવી રહ્યો છે.