વિકાસ યાદવ કેસમાં ભારતની તપાસથી યુએસને સંતોષ નથી
પન્નુમની હત્યાના નિષ્ફળ કાવતરામાં રો ના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવની સંડોવણી અંગેના કેસમાં
ભારતે નિમેલી ઇન્કવાયરી કમિટીની કામગીરીથી સંતુષ્ટ હોવાનું અઠવાડિયા પહેલા જણાવનાર અમેરિકાએ ફરી એક વખત પોતાના સુર બદલી આ તપાસ સમિતિની કામગીરીથી હજુ સંતોષ ન થયો હોવાની સૂચક ટિપ્પણી કરી હતી.
આ કાવતરામાં સંડોવણી અંગેના અમેરિકાના આક્ષેપો નકાર્યા બાદ અમેરિકાના દબાણ હેઠળ ભારતે ઇન્કવાયરી કમિટીની નિમણૂક કરી હતી. એ કમિટીએ ગત અઠવાડિયે અમેરિકા જઈને તપાસની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો અને પુરાવાઓ અંગે ચર્ચા કરી હતી. એ સમયે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે ભારતે આપેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો પણ મંગળવારે સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સ્પોક પર્સન દેવાંગ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતથી આવેલી ઇન્કવાયરી કમિટી સાથે મહત્વની માહિતીઓનું આદાન-પ્રદાન થયું હતું અને અમે માનીએ છીએ કે આ કમિટી તપાસ ચાલુ રાખશે અને ગત અઠવાડિયે થયેલી ચર્ચાના સંદર્ભમાં વધુ પગલાં લેશે.
બાદમાં તેમણે ઉમેર્યું કે અમે આશા રાખીએ છીએ કે ભારત દ્વારા થઈ રહેલ તપાસનું પરિણામ નક્કી થશે અને જ્યાં સુધી આ તપાસના તારણ રૂપે અર્થપૂર્ણ જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી અમને સંતોષ નહીં થાય. નોંધનીય છે કે એફબીઆઈએ વિકાસ યાદવ ને વોન્ટેડ જાહેર કર્યો છે.
