ગેંગસ્ટર છોટા રાજનને હત્યાના કેસમાં 23 વર્ષ બાદ મળ્યા જામીન : આજીવન કેદની સજા સમાપ્ત
બોમ્બે હાઈકોર્ટે બુધવારે ગેંગસ્ટર છોટા રાજનના શરતી જામીન મંજૂર કર્યા હતા. 2001માં જયા શેટ્ટી હત્યા કેસમાં દોષિત છોટા રાજનને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝનલ બેન્ચે રૂ. 1 લાખના બોન્ડ પર રાજનના જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે આજીવન કેદની સજા સમાપ્ત કરી દીધી છે.
છોટા રાજને સજા સામે મુંબઈ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અરજીમાં એવી માંગણી કરાઇ હતી કે સજાને સમાપ્ત કરીને જામીન પર છોડવામાં આવે. આ અપીલ પરની સુનાવણી બુધવારે પૂરી થઈ હતી.
અંડરવર્લ્ડ ડૉન છોટા રાજને 2001માં હોટલ માલિક જય શેટ્ટીની હત્યાકાંડમાં સજા રદ કરવા અને જામીનની માંગ કરતા બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સીબીઆઈએ છોટા રાજનની અરજીનો વિરોધ કર્યો હતો. મુંબઇની એક વિશેષ સીબીઆઇ કોર્ટે તેને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. આ ઘટનામાં સામેલ ત્રણ અન્ય શૂટર્સને પણ આજીવન કારાવાસની સજા થઈ હતી.
સાઉથ મુંબઇમાં ‘ગોલ્ડન ક્રાઉન’ હોટલના માલિક જય શેટ્ટીની મે-2001માં તેમની ઓફિસ સામે જ બે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદ એક આરોપી અજય સુરેશ મોહિતે ઉર્ફ અજય સૂરજભાન શ્રેષ્ઠ ઉર્ફ અજય નેપાલી ઉર્ફ ચિકનાની હથિયારો સાથે ધરપકડ થઈ હતી. તેના પર જય શેટ્ટીને ગોળી મારવાનો આરોપ હતો, તેનો સાથી કુંદનસિંહ રાવત ભાગવામાં સફળ રહ્યો હતો પરંતુ બાદમાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.