આવતીકાલે પુષ્યનક્ષત્ર:દીપોત્સવી પર્વનો પ્રારંભ
સુખ-સમૃદ્ધિ ચમકશે આંગણે, ઘરે ઘરે ગુંજશે ખુશી…આભ ઝળહળશે આતશબાજીથી… દીપ પ્રજ્વલિતથી અંધકાર થશે દૂર…
રાજકોટવાસીઓમાં ઉલ્લાસના પર્વને વધાવવા ભારે ઉત્સાહ:કાલે વેપારીઓ ચોપડાની કરશે ખરીદી,આગામી ગુરુવારે દિવાળી: બજારોમાં પણ ખરીદીની રંગત
સુખ-સમૃદ્ધિ ચમકશે આંગણે, ઘરે ઘરે ગુંજશે ખુશી…આભ ઝળહળશે આતશબાજીથી… દીપપ્રજ્વલિતથી અંધકાર થશે દૂર…
આવતીકાલે પુષ્યનક્ષત્રના શુભ દિવસ સાથે દીપોત્સવી પર્વનો પ્રારંભ થશે. ગુરુવારે દિવાળી પૂર્વે આવતું શુભનક્ષત્ર છે. આ સપ્તાહથી વર્ષના સૌથી મોટા તહેવારનો ઉત્સાહભેર પ્રારંભ થશે. આવતીકાલે વેપારીઓ ચોપડાની ખરીદી કરશે તેમજ આ દિવસ પીળી ધાતુની ખરીદી માટે પણ શુભ હોવાથી સોના ચાંદીના વ્યવસાયમાં તેજીનો ચમકારો જોવા મળશે.
એકાદશી અને વાઘબારસ બાદ તારીખ 29 અને મંગળવારે ધનતેરસ છે. ધનતેરસે લક્ષ્મી પૂજન સાથે આયુર્વેદના દેવતા ધનવંતરીનું પૂજન થશે. ધનતેરસે સોના ચાંદીની ખરીદી કરવી એ શુકન ગણાતું હોય છે આથી વધેલા ભાવ હોવા છતાં પણ લોકો નાની મોટી ખરીદી કરી શુકન કરશે.
તા.30 ને બુધવારે આસો વદ તેરસને બપોરે 1.16થી કાળીચૌદશ શરૂ થશે. આ દિવસે બપોરે નિવેદ કરવામાં આવશે. કાળી ચૌદસ ગુરુવારે તારીખ 31 ના બપોરે 3. 53 મિનિટ સુધી છે.
આગામી ગુરુવારે તારીખ 31 ના બપોરે 3. 53 મિનિટથી અમાસતિથિનો પ્રારંભ થાય છે આથી ,જ્યોતિષના નિયમ અનુસાર દીપાવલી નું મહત્વ સાંજે પ્રદોષકાળઅને રાત્રિનું રહેલું છે આથી તારીખ 31 ના રોજ ગુરુવારે દીપાવલીનો પર્વ મનાવવામાં આવશે.જ્યારે વિક્રમ 2081 5 તક સુદ એકમને શનિવારે તારીખ 2 નવેમ્બર થી નવા વર્ષનો પ્રારંભ થશે. તારીખ 3 નવેમ્બર ના રોજ ભાઈ બીજ અને તારીખ 6 નવેમ્બરના રોજ લાભપાંચમ છે.
શુભ-લાભ,સ્વસ્તિક,તોરણો અને સુશોભિત વસ્તુઓમાં 60 ટકા વેપાર વધ્યો
હસ્તકલા દ્વારા બનેલી કલાત્મક સુશોભિત વસ્તુઓથી રાજમાર્ગોને અનોખી સજાવટ: 15 દિવસમાં ચાર કરોડનો વેપાર કરે છે નાના-મોટા વેપારીઓ
દિવાળીનો તહેવાર એટલે ઘરની સાજ સજાવટનો પર્વ, ઉત્સવ અને ઉલ્લાસના આ પર્વમાં બજારો તોરણો,ટોડલા, રંગોળીઓ તેમજ કલાત્મક અને હસ્તકલા આધારિત ચીજવસ્તુઓથી ઉભરાઈ રહી છે. દિવાળીના આ પર્વમાં હસ્તકલાનું માર્કેટ 4 કરોડથી વધુનું રહેલું છે. રાજકોટના જસદણમાં સૌથી વધારે હસ્તકલાની વસ્તુઓ બને છે આ બિઝનેસ સાથે હજારો લોકો સંકળાયેલા છે ત્યારે આ વર્ષે દિવાળીના પર્વમાં સારી ખરીદી નીકળતા નાના મોટા વેપારીઓ ના ચહેરાઓની ચમક વધી છે. વેપારીના જણાવ્યા અનુસાર આ વર્ષે ડેકોરેશનની ચીજવસ્તુમાં વુડન મટીરીયલ પર અલગ અલગ શુભ પ્રતીકો સાથે તૈયાર રંગોળીઓ અને રંગોળીઓ બનાવવા માટેની છાપણીઓ જોવા મળી રહી છે.
આજકાલ સોશિયલ મીડિયામાં પણ દિવાળીને લઈને અનેક સુશોભન કરવાની ચીજ વસ્તુઓ અને તોરણ ઉપરાંત ડેકોરેશન માટેના ડી આઈ વાય ના લીધે વેપારમાં પણ 60% જેટલો ઉછાળો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે રાજકોટમાં સદર, બંગડી બજાર તેમજ અલગ અલગ વિસ્તારોમાં દુકાનો ઉપરાંત નાના નાના ફેરિયાઓ પણ આ વેપાર કરીનેપોતાની દિવાળી સુધારે છે. હવે તો અનેક મહિલાઓ પણ ઘરે બેસીને ઓનલાઈન બિઝનેસ કરે છે જેમાં તોરણ,ઝૂમર, શુભ લાભ ના સ્ટીકર, રંગોળીનું વેચાણ કરે છે. રાજકોટની વાત કરીએ તો 15 જેટલા હોલસેલના વેપારી અને 400 જેટલા રિટેલર વેપારીઓ આ કામ સાથે સંકળાયેલા છે.
રાજકોટ દેશ-વિદેશમાં પાથરે છે રંગોની રોનક:90 રંગો અહીં બને છે
રાજકોટની બજારમાં રંગો ખીલ્યાં: અગિયારસ થી લઈ લાભ પાંચમ અને દેવ દિવાળીએ અલ્પના(રંગોળી)થી દિવાળીનું થશે સ્વાગત
રાજકોટની રંગ બજાર ની રોનક અદભુત જોવા મળી રહે છે દિવાળી સમયે ઘરના આંગણામાં રંગોળીથી દિવાળીના પર્વને આવકારવામાં આવે છે ત્યારે દેશ વિદેશમાં રાજકોટના રંગોની રોનક જ ફેલાયેલી રહી છે 90% થી વધુ રંગો રાજકોટમાં બને છે આ કલરની માંગ ગુજરાત સેટ દેશ-વિદેશમાં રહેલી છે. ખાસ કરીને આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુએસમાં અહીંથી રંગોને સપ્લાય કરવામાં આવે છે.
દર વર્ષે કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ માટે પણ રંગોળી કોમ્પિટિશન કરવામાં આવે છે. અગિયારસથી લોકો ઘરના આંગણા ને સજાવાનું શરૂ કરી દે છે. જેમાં પરંપરાગત રંગોળી સાથે હવે મોર્ડન રંગોળીનું લુક પણ આપે છે. અલગ અલગ દેવી-દેવતાઓને રંગોળી થી તૈયાર કરે છે.
રાજ્ય અને સંસ્કૃતિના આધારે રંગોળીના અલગ અલગ નામ રહેલા છે જેમકે આપણે અહીં રંગોળી કહીએ છીએ તે જ રીતે પશ્ચિમ બંગાળમાં રંગોળીને અલ્પના કહેવામાં આવે છે. અગાઉ ચોખાના લોટમાંથી રંગોળી તૈયાર કરવામાં આવતી હતી,હવે બદલાતા સમય સાથે વિવિધ રંગો માર્કેટમાં આવ્યા છે. રેડીમેઇડ રંગોળીના ટ્રેન્ડ વચ્ચે આજે પણ લોકો કલાકો ની મહેનત બાદ અવનવી મનમોહક રંગોળી તૈયાર કરે છે