કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી શું મળ્યો ઝટકો ? કયા કેસમાં અરજી ફગાવી ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. . સુપ્રીમ કોર્ટે અપરાધિક માનહાનિ કેસમાં જાહેર કરાયેલા સમન્સને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
કેજરીવાલે નીચલી અદાલત દ્વારા જાહેર કરાયેલા સમન્સને પડકાર્યો હતો અને કેસ પર સ્ટે માંગ્યો હતો. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે પણ કેજરીવાલની માંગને ફગાવી દીધી હતી. એપ્રિલ 2024માં સુપ્રીમ કોર્ટે આ જ મામલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની માંગને ફગાવી દીધી હતી.
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ટિપ્પણીઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આના પર ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપી નહતી.
હાઈકોર્ટના આ નિર્ણયને અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે માંગ કરી હતી કે તેમની સામેનો માનહાનિનો કેસ બંધ કરવામાં આવે. હવે સુપ્રીમ તરફથી પણ ઝટકો મળ્યો છે ત્યારે કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે.