‘દાના’ ચક્રવાતનો ખતરો : હવામાન ખાતાનું એલર્ટ, પૂર્વથી દક્ષિણ સુધીના રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. આ વાવાઝોડાને ચક્રવાત દાના નામ આપવામાં આવ્યું છે. જેને લઈને હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. ચક્રવાત દાના 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે ભારતના પૂર્વ કિનારે ટકરાશે, જેને કારણે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મૂસળધાર વરસાદ પડી શકે છે.
આ તોફાન ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને મ્યાનમારને પણ અસર કરશે. ચક્રવાત દાનાને જોતા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દાના વાવાઝોડાને કારણે ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદની સંભાવના છે. ભારતના ઓડિશાના તટવર્તીય પ્રદેશોમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. સમુદ્રમાં ઊંચા મોજાં પણ ઉછળી શકે છે.
આ વાવાઝોડાને કારણે ગુરુવારે તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, આંતરિક કર્ણાટક અને દક્ષિણ તેલંગાણામાં મૂશળધાર વરસાદ થવાની સંભાવના છે. આથી હવામાન વિભાગે પણ આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હાલમાં દક્ષિણ ભારતમાં અવિરત વરસાદથી ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. લો પ્રેશર વિસ્તારને કારણે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આગામી દિવસોમાં ઉત્તરી તમિલનાડુ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.