તહેવારો ટાણે જ લોકોને માંદા પાડવાના કારસ્તાનનો પર્દાફાશ : રાજકોટમાં 1150 કિલો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળ્યો
દિવાળીના તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ફ્રૂડ વિભાગ દ્વારા રાજકોટમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે તહેવારો ટાણે જ લોકોને માંદા પાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. આજ રોજ રાજકોટના પેડક રોડ પર રમેશ સિંધવની માલિકીના શિવમ ફ્રૂટમાં મહાપાલિકાની ફૂડ શાખાએ દરોડો પાડ્યો હતો અને 850 કિલો અખાદ્ય મેંગો પલ્પ, 250 કિલો સીતાફળ પલ્પ અને 50 કિલો વાસી દ્રાક્ષ-દાડમનો જથ્થો પકડી પાડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો.
રૂ. 3 લાખથી વધુના ફ્રુટ પલ્પના જથ્થાનો નાશ કરાયો
ફૂડ વિભાગ દ્વારા રવિરાજ રેફ્રિજરેશનના કોલ્ડ રૂમની તપાસ કરતાં અનહાઈજીનીક અને લેબલ વગરનો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળી આવ્યો હતો. આ કોલ્ડ સ્ટોરેજમાં મેંગો પલ્પ 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલો, લેબલ વગરનો જથ્થો કોઈપણ જાતની ચોખ્ખાઈ વગર રાખવામાં આવ્યો હતો. સાથે જ અન્ય વાસી ફ્રૂટનો જથ્થો પણ મળી આવ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 1150 કિલો ફ્રૂટ પલ્પના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 3,30,000 રૂપિયા હતી. આ ઉપરાંત પેઢીને યોગ્ય રીતે સ્ટોરેજ કરવા તથા સ્થળ પર ચોખ્ખાઈ જાળવવા, ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ લગાવવા અને તેના પર વિગતો દર્શાવવા નોટિસ આપી હતી.

32 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લીધા
“ફુડ સેફ્ટી પખવાડીયા” ની ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ આવી રહેલા તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચે દર્શાવ્યા મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 32 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા.
21 ધંધાર્થિઓને ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી
ફૂડ વિભાગની ટીમ તથા FSW સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોરબી રોડ જકાતનાકા, ભગવતી પરા બ્રિજ, રૈયા ચોકડી અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ વિસ્તારમાં આવેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના કુલ 34 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.