૮ વર્ષ બાદ ત્રીજા નંબરે ઉતર્યો કોહલી’ને ખાતું પણ ન ખુલ્યું
૩૨ ઈનિંગ બાદ ન્યુઝીલેન્ડ સામે જ થયો શૂન્ય રને આઉટ
બેંગ્લુરુ ટેસ્ટમાં ભારતીય ટીમનું અત્યંત લચર પ્રદર્શન રહેતાં ૪૬ રને આખી ટીમ તંબુ ભેગી થઈ જવા પામી હતી. આ મેચમાં વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો ન્હોતો. કોહલી ૨૩ વર્ષના બોલર વિલિયમ ઓરુર્કે સામે આઉટ થયો હતો. કોહલીને ચોથાની જગ્યાએ ત્રીજા ક્રમે બેટિંગ કરવા મોકલાયો હતો. તે અંદાજે આઠ વર્ષ બાદ ટેસ્ટમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો પરંતુ તેનું કમબેક સારું રહ્યું ન્હોતું. છેલ્લે ૨૦૧૬માં ગ્રોસ આઈલેટમાં વિન્ડિઝ વિરુદ્ધ ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. ટેસ્ટમાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા કોહલીએ સાત ઈનિંગ રમી છે અને ૧૬.૧૬ની સરેરાશથી રન બનાવ્યા હતા. આ રીતે સાત ઈનિંગમાં તેણે ૯૭ રન બનાવ્યા છે. ત્રીજા નંબરે બેટિંગ કરતા ૪૧ રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે. વિરાટ ટેસ્ટમાં પહેલી વખત ત્રીજા નંબરે બેટિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો.
ટેસ્ટમાં શૂન્ય રને છેલ્લે ૨૦૨૧માં કોહલી આઉટ થયો હતો ત્યારે પણ હરિફ ટીમ ન્યુઝીલેન્ડ જ હતી. એ સમયે વાનખેડે ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ઈનિંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. હવે ૩૨ ઈનિંગ બાદ ફરીથી એ જ ટીમ સામે શૂન્ય પર આઉટ થયો હતો.