નવરાત્રીમાં રાસ ગરબાની રમઝટ બાદ હવે વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જૂન મહિનાથી લઈ સપ્ટેમ્બર મહિના સુધી ચાલેલા સિલેબર્સની કસોટી લેવાઈ રહી છે. સોમવારથી ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ સહિત ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રથમ સંત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં રાજકોટ જિલ્લામાંથી ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ સત્રાંત પરીક્ષા આપી રહ્યા છે.
૨૭ ઓક્ટોબરના રોજ પ્રથમ સત્રની સત્તાવાર રીતે પરીક્ષા પૂરી થશે જ્યારે ૨૮ ઓક્ટોબરથી ૨૧ દિવસનું દિવાળીનું વેકેશન શરૂ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રના પ્રારંભથી જ એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે જેમાં વર્ષ દરમિયાન શિક્ષણ માટેના દિવસો અને જાહેર રજાઓ તેમજ વેકેશનની તારીખો સહિતની માહિતી દર્શાવવામાં આવે છે. જૂન મહિનાથી લઈ સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો હોય છે તેની પ્રથમ સત્રની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બીજા શૈક્ષણિક સત્રનો ૧૮ નવેમ્બરે પ્રારંભ થશે જ્યારે આ સત્રમાં ૧૩૫ દિવસ અભ્યાસ કરાવાશે.