મુકેશ અંબાણી હવે કઈ કંપનીમાં ભાગીદારી કરવાના છે ? જુઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી પોતાના બિઝનેસને ફેલાવવા માંગે છે અને તેના ભાગરૂપે નવા નવા સાહસ તરફ તેની નજર ગઈ છે અને હવે બોલિવૂડના જાણીતા ચહેરા કરણ જોહરની કંપની પર મુકેશ અંબાણીની નજર ઠરી છે.
એવા અહેવાલો બહાર આવ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ધર્મા પ્રોડક્શન નામની જોહરની કંપનીમાં હિસ્સો ખરીદવા માંગે છે. બંને વચ્ચે સંપર્ક થયો છે અને આ માટેની વાત શરૂ થઈ છે. બિઝનેસ જગતમાં આ સોદાની પણ ભારે ચર્ચા થઈ રહી છે.
ધર્મા પ્રોડકશનમાં કરણ જોહરની ભાગીદારી 90.70 ટકા છે. એ જ રીતે 9.24 ટકાની ભાગીદારી એમના માતાની છે. છેલ્લા ઘણા સમયથી પ્રોડક્શનના ખર્ચમાં વધારો, સિનેમા ઘરોની ઘટતી સંખ્યા અને ઓટીટી પ્લેટફોર્મની ઝડપી વૃધ્ધિને લીધે બોલિવૂડના સ્ટુડિયો માટે મોટો પડકાર ઊભો થયો છે.
આ ફિલ્ડમાં ઘણા સમયથી નવા રોકાણની સંભાવનાઓ ઘટી રહી છે અને તેને કારણે બધા જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. કરણ જોહરને પણ રોકાણની તલાશ રહી છે. તેઓ ઘણા સમયથી પોતાની ભાગીદારીને મોનીટાઈઝ કરવાનો વિચાર કરી રહ્યા હતા અને એમના પ્રયાસ ચાલુ જ હતા.
હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ધર્મા પ્રોડકશનમાં નવા પ્રાણ ફૂંકી શકે છે અને આ સોદો જલ્દી થવાની આશા સેવાઇ રહી છે. બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને મુકેશ અંબાણી જુથ દ્વારા આ માટે તૈયારી પણ ચાલી રહી છે.
