સિવિલમાં હડકવાવિરોધી ઈન્જેક્શન ખલાસ: અધિકારીઓ ખો’ આપવામાં વ્યસ્ત !
આરએમઓએ સ્ટોકની જવાબદારી સંભાળતાં નથવાણી પર બધું ઢોળ્યું, નથવાણીએ સુપ્રિ. તરફ ધકેલ્યા: દર્દીઓની હાલત ખરાબ
કોઈને કોઈ વિવાદમાં રહેવા માટે પંકાઈ ગયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઈન્જેક્શનનો સ્ટોક ખૂટી પડતા દર્દીઓ રીતસરની રઝળપાટ કરી રહ્યા છે. બીજી બાજુ આવી સ્થિતિ શા માટે નિર્માણ પામી તે અંગે અધિકારીઓ એકબીજા ઉપર
ખો’ આપવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ અંગે કોંગ્રેસ દ્વારા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ સંતોષકારક જવાબ મળ્યો ન્હોતો.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે ઈન્જેક્શન રૂમમાં પૂછપરછ કરવામાં આવતાં ત્યાંથી સ્ટોક ખલાસ હોવાનો જવાબ મળ્યો હતો. આ પછી રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (આરએમઓ) પાસે પહોંચ્યા તો તેઓ મિટિંગમાં વ્યસ્ત હતા. ત્યારબાદ દવાઓના સ્ટોકની જવાબદારી સંભાળતાં જે.કે.નથવાણીને પૂછવામાં આવતાં તેમણે સુપ્રિન્ટેન્ડેન્ટ તરફ ફંગોળી દીધા હતા. સુપ્રિન્ટેન્ડેન્ટને મળવા જતાં તેમણે ફરી ડૉ.નથવાણી પર `ખો’ આપી દીધી હતી.
આમ સિવિલના અધિકારીઓ ઈન્જેક્શનની વ્યવસ્થા કરવાને બદલે ચલકચલાણું રમવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. જો કે ઝડપથી આ ઈન્જેક્શનની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા સુપ્રિ.નો ઘેરાવ કરવા સહિતની કાર્યક્રમ આપવામાં આવશે.