મોરબી : શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓને મશાલ-અંગારા રાસ રમતાં જોઇ સૌ થયા મંત્રમુગ્ધ
નવરાત્રીને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિવિધ અને અનોખા આયોજનો થતા હોય છે. અર્વાચીન ગરબીની સાથે આજે પણ પ્રાચીન ગરબાનું મહત્વ એટલું જ છે ત્યારે મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પર શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા ૪૧ વર્ષથી ગરબી નુ આયોજન કરે છે.જેમાં ૮૫ જેટલી બાળાઓ ભાગ લીધો છે અને આ ગરબીમાં બાળાઓ દ્વારા સાહસ પૂર્ણ અને શક્તિ ના દર્શન રૂપે કરવામાં આવતો મશાલ અંગારા રાસ હાલમાં સમગ્ર ગુજરાતમાં આકર્ષણ નુ કેન્દ્ર બની ગયો છે.
આ રાસમાં બાળાઓ મશાલ સાથે ગરબાના તાલે રમે છે તેમજ આ રાસ રમતી વેળાએ ફરતી બાજુ આગની જ્વાળાનું કુંડાળું કરવામાં આવે છે અને ત્યાર બાદ બાળાઓના હાથમાં રહેલ મશાલમાંથી ધગધગતા અંગારાને ગરબીના પટમાં પાથરીને આ અંગારા પર ખુલ્લા પગે ગરબે ઘૂમે છે.તેમજ આ રાસ ની પ્રેક્ટિસથી લઈને આજ સુધી ચમત્કારિક રીતે એક પણ બાળાને કોઈ નુકસાન થયું નથી.
આ ગરબી મંડળમાં ફાયર રાસ ,તલવાર રાસ , ધૂણીયો રાસ સહિત વિવિધ પ્રકારના વિવિધ 42 જેટલા રાસ યોજવામાં આવે છે.તેમજ દરેક બાળાઓને નવરાત્રીના છેલ્લા દિવસે સોના ચાંદીના ઘરેણાં સહિતની વસ્તુઓનો લ્હાણી પણ કરવામાં આવે છે.આ ગરબી મંડળના રાસ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને હાલમાં આ ગરબી આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે.