કપડાંના વેપારીએ મકાનમાં શરૂ કરેલી જુગારક્લબ પર દરોડો
૧૦ જુગારીને પત્તા ટીંચતાં પકડી પાડતી ડીસીબી: ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે
દારૂ-જુગાર સહિતની બદીને ડામી દેવા માટે પીસીબી અને ડીસીબી જાણે કે એકબીજા સાથે હરિફાઈરૂપે `કામગીરી’ કરી રહ્યા હોય તેવી રીતે એક બાદ એક દરોડા પાડી રહ્યા છે. આવી જ એક રેડ રામનાથપરામાં નવી ઘાંચીવાડ શેરી નં.૫માં પાડવામાં આવી હતી જ્યાં કપડાંના વેપારીએ મકાનમાં જુગારક્લબ શરૂ કરી દેતાં ડીસીબીએ ત્રાટકીને ૧૦ જુગારીને પત્તા ટીંચતાં પકડી લઈ ૧.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ડીસીબી પીઆઈ ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મોવલિયા સહિતની ટીમે ઘાંચીવાડમાં આવેલા મકાનમાં દરોડો પાડી મકાનના માલિક અબ્દુલઅજીમ મહમ્મદહનીફભાઈ ચીચોદરા, ફારૂક જુમાભાઈ ડેલા, મહમ્મદહુસેન આમદભાઈ કરગથરા, સોયબ યુસુફભાઈ મોટલાણી, અલ્તાફ આમદભાઈ અગવાન, મહમ્મદનઈમ દાઉદભાઈ ફુલાણી, ઈમરાન ઈકબાલભાઈ મકવાણા, જાવેદ ઈબ્રાહીમભાઈ મેતર અને ગુલમહમ્મદ વલીભાઈ મોદીને જુગાર રમતાં પકડી પાડ્યા હતા.
પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે આ જુગારક્લબ અબ્દુલઅજીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તે બહારથી જુગારીઓને ઘરમાં બોલાવી તમામ સગવડ પૂરી પાડતો હતો અને બદલામાં નાલ ઉઘરાવી લેતો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે જુગારીઓ બિન્દાસ્ત પત્તા ટીંચી રહ્યા હોય જેવી પોલીસ પહોંચી કે દોડધામ થઈ પડી હતી.