ઇડીએ કયા મોટા પૂર્વ ક્રિકેટરને પાઠવ્યું સમન્સ ? શું છે મામલો ? વાંચો
ભારતીય ટીમના પૂર્વ સુકાની અને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં તેને ગુરુવારે સમન્સ પાઠવ્યું હતું. મોહમ્મદ અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં ગેરરીતિનો આરોપ છે.અહેવાલો અનુસાર, એસોસિયેશનમાં 20 કરોડ રૂપિયાના ફંડની ઉચાપત કરવામાં આવી છે. અઝહરુદ્દીને ગુરુવારે જ સમક્ષ હાજર થવાનું હતું. અઝહરે ઇડીના સવાલોના બાઉન્સર ફેસ કર્યા છે.
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સપ્ટેમ્બર 2019માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે જૂન 2021માં આ પદ છોડવું પડ્યું હતું. ભંડોળના દુરુપયોગના આરોપમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈડીએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડીએ તેલંગાણામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓએ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં નાણાકીય અનિયમિતતાઓ કરી હતી. તેણે ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિયેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. ઈડીએ આ મામલામાં ત્રણ એફઆઇઆર નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
