WTCના ફાઈનલમાં પહોંચવા માટે ભારતે હજુ ચાર ટેસ્ટ જીતવી પડશે
- ન્યુઝીલેન્ડ સામે ત્રણ તો ઑસ્ટે્રલિયા સામે પાંચ ટેસ્ટ મેચ રમવાની બાકી
ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરી ચૂકી છે. આ જીત બાદ ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલની દાવેદારી વધુ મજબૂત બની ગઈ છે. ટીમ ઈન્ડિયા સળંગ ત્રીજી વખત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં જગ્યા બનાવવા તરફ આગળ વધી રહી છે.
ટીમ ઈન્ડિયાએ આવનારા મહિનામાં ઘરઆંગણે અને ઘર બહાર જઈને ટેસ્ટ શ્રેણી રમવાની છે. હવે ભારત ઘરઆંગણે આ મહિને ન્યુઝીલેન્ડ સામે શ્રેણી રમશે જેનું પરિણામ ઘણે ખરે અંશે ફાઈનલની રેસમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દેશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે હજુ ૮ મુકાબલા રમવાના છે. ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સાથે ત્રણ મેચ અને ત્યારબાદ ઑસ્ટે્રલિયા સામે પાંચ મેચની શ્રેણી રમશે. ભારતીય ટીમ અત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ તો ઑસ્ટે્રલિયા બીજા અને શ્રીલંકા ત્રીજા ક્રમે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય ટીમે પોતાના બાકી બચેલા ૮ ટેસ્ટમાંથી માત્ર ચાર મેચમાં જીત મેળવવાની છે. ભારતે જો ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવી દીધું તો તે ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. ઑસ્ટે્રલિયા વિરુદ્ધ એક મેચ જીતવાની સાથે જ તે સત્તાવાર રીતે ફાઈનલમાં પહોંચી જશે.