હિઝબુલ્લાહનો વડો હસન નસરુલ્લાહ ઠાર
નસરુલ્લાહના કમાન્ડરો અને તેની પુત્રીના પણ મોત: ઈઝરાયલની સેનાએ જાણકારી આપી: બૈરુતમાં ચારેકોર ધૂમાડા
અને તબાહી: હિઝબુલ્લાહના અન્ય મથકો પર હુમલા યથાવત: ઇરાન લાલઘૂમ
ઈઝરાયલની સેનાએ બૈરુતમાં વડા મથક પર ૮૦ ટન બોમ્બ વરસાવ્યા: ઇરાનના સર્વોચ્ચ નેતા સુરક્ષિત સ્થળે ખસેડાયા
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભયંકર યુધ્ધની સાથોસાથ ઈઝરાયલની ટક્કર લેબેનોનના હિઝબુલ્લાહ નામના ભયાનક લડાકુ જૂથ સાથે થઈ હતી અને અંતે લેબેનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના વડા મથક પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો અને બોમ્બવર્ષા કરી હતી જેમાં હિઝબુલ્લાહનો વડો નસરુલ્લાહ પોતાના કમાન્ડરો સાથે ઠાર થયો હતો તેવી માહિતી ઈઝરાયલના ડિફેન્સ ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ઈઝરાયલ દ્વારા ઓપરેશન ન્યુ ઓર્ડર હેઠળ હિઝબુલ્લાહના વડા મથક પર ૮૦ ટન જેટલા બોમ્બ વરસાવવામાં આવ્યા હતા જેમાં હિઝબુલ્લાહનો વડો અને તેની સાથે તેના ખાસ કમાન્ડરો પણ માર્યા ગયા હતા. હુમલો થયો ત્યારે નસરુલ્લાહ કમાન્ડ સેન્ટરમાં જ હતો.
બંકરોને તોડનારા બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. નસરુલ્લાહની સાથે અન્ય હુમલામાં તેની દીકરી ઝૈનબનું પણ મોત થઈ ગયાનો ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો. બેરુતમાં ચારેકોર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. સડકો પર નકરો કાટમાળ વેરાઈ ગયેલો દેખાતો હતો અને અંદાજે ૬ ઈમારતો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈઝરાયલની સેનાએ આ મોટા ઓપરેશન બાદ નિવેદન આપીને કહ્યું હતું કે, હવે નસરુલ્લાહ દુનિયાને ડરાવી શકશે નહીં કારણ કે અમે તેને ઠાર કર્યો છે.
ઈઝરાયલની સેનાએ હિઝબુલ્લાહના વડા મથકમાં આવેલું બંકર જ ઉડાવી દીધું હતું ત્યારબાદ આ જૂથની એન્ટિશીપ મિસાઈલોનો જ્યાં ભંડાર છે તેની ઉપર પણ બોમ્બવર્ષા કરવામાં આવી હતી.
હસન નસરુલ્લાહ ૩૨ વર્ષથી કાર્યરત હતો
ઈઝરાયલના ભયાનક હવાઈ હુમલામાં ઠાર થયેલા હિઝબુલ્લાહના વડા હસન નસરુલ્લાહ વિશે એવી માહિતી બહાર આવી હતી કે તે છેલ્લા ૩૨ વર્ષથી હિઝબુલ્લાહ નામના લડાયક જૂથની નેતાગીરી કરી રહ્યો હતો અને સેંકડો યુવાનોને તેણે લશ્કરી તાલીમ અપાવી હતી. આ જૂથ પહેલાંથી જ ઈઝરાયલી વિરોધી રહ્યું છે.
ઇરાને કહ્યું, ઇઝરાયલને પસ્તાવું પડશે
બૈરુતમાં હિઝબુલ્લાહના વડા મથક પર ઈઝરાયલના ભયંકર હવાઈ હુમલામાં હસન નસરુલ્લાહ ઠાર થયાના અહેવાલો બહાર આવ્યા બાદ ઈરાને પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, ઈઝરાયલની મૂર્ખતાપૂર્ણ નીતિ છે અને તેને પસ્તાવું પડશે. ઈઝરાયલની સેનાએ મહિલા અને બાળકોને નિશાન બનાવ્યા છે. નિ:શસ્ત્ર લોકો ઉપર હુમલા થયા છે. તેની ક્રુરતા દુનિયાએ જોઈ છે.
ઇસ્લામિક દેશોની બેઠક બોલાવી
હિઝબુલ્લાહના વડા હસન નસરુલ્લાહનાં મોતના અહેવાલ બાદ ઈરાન ખળભળી ઉઠ્યું હતું અને તેના સર્વોચ્ચ નેતા અલી ખામીનીએ ઓઆઈસીની બેઠક બોલાવી હતી. ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠકમાં લેબેનોનમાં થયેલી તબાહી અને હુમલાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે આ બેઠકમાં કેટલા ઈસ્લામી દેશો ભાગ લેશે તે મોટો સવાલ છે. ઈરાને આ હુમલા બાદ પણ એમ જાહેર કર્યું હતું કે, અમારો હિઝબુલ્લાહને સંપૂર્ણ ટેકો છે.