કારખાનાનું પતરું તોડી તસ્કરો સવા લાખનો વાયર ચોરી ગયા
કોઠારિયા સોલવન્ટમાં આવેલા શ્રીજી ઈલેક્ટ્રિક એન્ડ પાવર ટુલ્સ નામના કારખાનામાં હાથફેરો
રાજકોટમાં ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો હશે કે જ્યારે નાની-મોટી ચોરીઓ થઈ રહી ન હોય. જાણે કે તસ્કરોને પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તેમ દુકાન-મકાન-ફ્લેટ-કારખાનામાં ચોરીઓ કરી રહ્યા છે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. કોઠારિયા સોલવન્ટમાં આવેલા એક કારખાનાનું પતરું તોડી તસ્કરો તેમાંથી સવા લાખનો વાયર ચોરી ગયાની ફરિયાદ નોંધાતાં જ આજી ડેમ પોલીસ દોડતી થઈ છે.
આ બનાવ અંગે કોઠારિયા સોલવન્ટમાં શ્રીજી ઈલેક્ટ્રિક એન્ડ પાવર ટુલ્સ નામના કારખાનાના માલિક ઘનશ્યામ ભરતભાઈ સખીયાએ ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.૨૧ સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ વાગ્યે તે કારખાનાના શટરને તાળું મારી ઘેર ચાલ્યા ગયા હતા. આ પછી બીજા દિવસેએટલે કે ૨૨ સપ્ટેમ્બરે સવારે કારખશને આવ્યા ત્યારે તાળું ખોલીને અંદર પ્રવેશતાં જ શેડના ઉપરનું પતરું તૂટેલું જોવા મળ્યુંહતું. આ પછી કારખાનાની તપાસ કરતાં કારખાનાના પાછળના ભાગે મુકેલા કોપર વાયરના ચાર બાચકા જેનું વજન ૧૨ કિલો જેટલું થવા જાય છે તે જોવા મળ્યા ન્હોતા. ચોરાયેલા કોપર વાયરની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા જેવી થવા જાય છે.