ડ્વેન બ્રાવોએ CSK અને ધોનીનો સાથ છોડ્યો : IPLની આ ટીમના બન્યા મેન્ટર, ગૌતમ ગંભીર સાથે કનેક્શન
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે કેરેબિયન પ્રીમિયર લીગ વચ્ચે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. બ્રાવો ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક મોટું નામ હતું. તે ટુર્નામેન્ટમાં ત્રણ ટીમો માટે રમ્યો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સમાવેશ થતો હતો. આ સિવાય બ્રાવો ગુજરાત લાયન્સ માટે એક સિઝન રમ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ દ્વારા નવા મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્રાવો IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો બોલિંગ કોચ હતો. હવે KKR એ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. KKR ટીમમાં ગૌતમ ગંભીરનું સ્થાન બ્રાવો લેશે. કેકેઆરએ શુક્રવારે આની જાહેરાત કરી હતી.
Say hello to our new Mentor, DJ 'sir champion' Bravo! 💜
— KolkataKnightRiders (@KKRiders) September 27, 2024
Welcome to the City of Champions! 🎶🏆 pic.twitter.com/Kq03t4J4ia
બ્રાવોની નિમણૂક તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધાના ચાર કલાક પછી જ થઈ છે. બ્રાવોએ શુક્રવારે જ આની જાહેરાત કરી હતી. T20 ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે છે. તેણે આ ફોર્મેટમાં 582 મેચમાં 631 વિકેટ લીધી છે. જોકે, આ વર્ષે કેરેબિયન પ્રીમિયર લીગમાં તેને ગ્રોઇન ઇન્જરીનો સામનો કરવો પડ્યો હતો. KKR CEO વેંકી મૈસૂરે પુષ્ટિ કરી કે બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગમાં અન્ય તમામ નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સાથે કામ કરશે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મેજર લીગ ક્રિકેટ અને UAEમાં ILT-20નો પણ સમાવેશ થાય છે.
વેન્કીએ કહ્યું- ડીજે બ્રાવો અમારી સાથે જોડાયો તે ખૂબ જ રોમાંચક છે. તે જે પણ લીગમાં રમે છે, તે જીતવાની ઊંડી ઈચ્છા ધરાવે છે. તેના વ્યાપક અનુભવ અને જ્ઞાનથી ફ્રેન્ચાઈઝી અને તમામ ખેલાડીઓને ઘણો ફાયદો થશે. અમને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે તે વિશ્વભરની અમારી અન્ય તમામ ફ્રેન્ચાઈઝી – CPL, MLC અને ILT20 સાથે જોડાશે.
બ્રાવોએ 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું અને IPL સહિત અન્ય કેટલીક લીગમાં કોચિંગની ભૂમિકાઓ સંભાળી. તાજેતરમાં, તેણે IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે કોચ તરીકે કામ કર્યું હતું અને વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 2024 T20 વર્લ્ડ કપ માટે તેને અફઘાનિસ્તાનના બોલિંગ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.