જીએસટી અંગે 19 મીએ કઈ બાબતે નિર્ણય થવાની શક્યતા ? વાંચો
જીએસટી દરોને તર્કસંગત બનાવવા અંગે ગોવામાં મંત્રી જૂથની મળેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આમાં અનેક સૂચનો અને દરખાસ્તો પર વિચાર કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હવે મંત્રીઓના જૂથની આગામી મહત્વની બેઠક 19 ઓક્ટોબરના રોજ યોજાવાની છે.
આ દિવસે આરોગ્ય અને જીવન વીમા પર રચાયેલ જીઓએમ વીમા પરનો જીએસટી 18 ટકાથી ઘટાડવા અંગે વિચારણા કરશે. મંત્રીઓના જૂથમાં 11 રાજ્ય સભ્યો છે. ગ્રુપના કન્વીનર બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી છે.
હેલ્થ અને જીવન વીમા પરના પ્રીમિયમ પરનો ટેક્સ ઘટી શકે છે તેવી સંભાવના અગાઉ પણ વ્યક્ત કરાઇ હતી. કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ આ પગલાંની તરફેણ કરી હતી.
મંત્રી સમૂહમાં શું થયું ખાસ?
મંત્રી સમૂહની મળી ગયેલી બેઠકમાં પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન ચંદ્રિમા બેનર્જીએ હેર ડ્રાયર અને કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ સહિતની કેટલીક ચીજવસ્તુઓ પર જીએસટી વધારવાની વિચારણા કરવાની માંગ કરી હતી. આવક વધારવા માટે વર્ષ 2018માં જે વ્હાઇટ ગુડ્ઝની વસ્તુઓના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તેના પર પુનર્વિચાર કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
તેમણે માહિતી આપી હતી કે, બેઠકમાં સામાન્ય જનતાને રાહત આપવા સાથે, આવક વધારવાના પ્રસ્તાવ પર પણ સહમતિ થઈ છે, તેમણે કહ્યું કે, તેમણે જીએસટી વધારવા માટે નવા રસ્તાઓ શોધવા જોઈએ.