ગુજરાતમાં બીજીવાર ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર : બોટાદ નજીક રેલવે ટ્રેક પર મળી આવ્યો લોખંડનો સળિયો, જુઓ વિડીયો
દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ બીજી વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો ત્યારે ટ્રેન અથડાઇને ઉભી રહી જતાં મુસાફરોના જીવ બચ્યા હતા. હાલ આ મામલે રેલવેના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના બોટાદના કુંડલી ગામ નજીકની છે જ્યાં ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાવનગર – ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ DySP સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે. તપાસ દરમિયાન રેલવે પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો છે.જો કે આ ઘટનામાં રેલવે અધિકારીઓની ટીમે પણ વધુ તપાસ હાથ ધરી છે તેમજ ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાથી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુમાં આ બાબતે બોટાદના એસપીએ જણાવ્યુ હતુ કે બોટાદ જિલ્લાના રાણપુર પો.સ્ટે હદમાં ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઇએ ટ્રેનના પાટાની વચ્ચે 4 ફૂટનો લોખંડનો સળિયો રેલની પટરીની વચ્ચે ઉભો કરી દીધો હતો. ટ્રેનના એન્જીન સાથે ટુકડો અથડાતા ટ્રેન ઉભી રહી ગઇ હતી અને અનેક મુસાફરોના જીવ બચ્યા હતા.
પોલીસ તથા રેલ્વે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રેલ્વે પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો હતો . જે ટ્રેનના એન્જીન સાથે અથડાવાના કારણે ટ્રેનનું એન્જીન બંધ થયું હતું. ત્યારે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ SP, DySPએ વધુ તપાસ હાથ ધરી છે.