8 ઓક્ટોમ્બરના વકીલ ન રોકનાર આરોપીને લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી દેવાશે: ફાયર ઓફિસર ખેર, એટીપીઓ જોશી, મકવાણા અને અશોકસિંહની જામીન અરજી પર આજે સુનાવણી
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા ૧૫ આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયાની ત્રીજી મુદતમાં પણ ૯ આરોપીઓએ વકીલો રોકવા સેશન્સ કોર્ટમાં મુદત માગવામાં આવતા અદાલત દ્વારા આગામી તા.૮ સપ્ટેમ્બર સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે. આગામી તા.૮ ઓક્ટોમ્બરના રોજ કેસની ટ્રાયલ ચલાવવા આવવાની છે.
વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેઇમ ઝોનમાં ગઇ તારીખ ૨૮/ ૫ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્રારા ગેઇમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ સહિત ૧૫ સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ ૩ સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ ૧૫ પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માગવામાં આવ્યો હતો. જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.૧૦ મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી રાખવામાં આવી હતી. ૧૦ મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. અને આગામી તા. ૨૪ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા આવી હતી.
સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની ત્રીજી મુદતે તમામ આરોપીઓને પોલીસ જાપતા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ગેમઝોન સચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા.જ્યારે અન્ય ૯ આરોપીએ હજુ પોતાના બચાવ પક્ષે વકીલ નહી રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.૮ ઓક્ટોમ્બર સુધીમાં તમે વકીલ નહી રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે. ઉલ્લેખનીય છે કે,આજે ફાયર ઓફિસર ખેર, એટીપીઓ જોશી, મકવાણા અને અશોકસિંહની જામીન અરજી પર સુનાવણી છે.