બે કૌટુંબિક ભાઈઓએ મકાન આપવાના બહાને યુવક પાસે 8 લાખ પડાવ્યા
આજીડેમ પાસે શિવરંજની પાર્કમાં આવેલું મકાનના સાટાખત કરી આપી દસ્તાવેજ સમયે હાથ ઊચા કરી છેતરપિંડી કરતાં ગુનો નોંધાયો
રાજકોટમાં રહેતા બે કૌટુંબિક ભાઈઓએ ભાડલાના યુવકને આજીડેમ પાસે શિવરંજની પાર્કમાં આવેલું મકાન વેચવાનું કહી તેની પાસેથી 8 લાખ રૂપિયા પડાવી સાટાખત કરી આપી દસ્તાવેજ સમયે હાથ ઊચા કરી દઈ છેતરપિંડી કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ ભાડલામાં રહેતા હિરેનભાઈ મનસુખભાઇ ડોબરિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાજકોટમાં રહેતા તેના બે કૌટુંબિકભાઈ મોહિત ડોબરિયા અને દીપ ભૂતનું નામ આપતા જણાવ્યું હતું કે,તેને રાજકોટમાં મકાન લેવું હોવાથી બંને ભાઈઓનો સંપર્ક કર્યો હતો.અને જેમાં મોહીટે પોતાના નામનું આજીડેમ પાસે શિવરંજની પાર્કમાં મકાન હોવાનું કહ્યું હતું.અને તે વેચવાની વાત કરતાં ફરિયાદી અને તેના પિતા રાજકોટ આ મકાન જોવા માટે આવ્યા હતા.બાદમાં મકાનનો સોદો કરીને 8 લાખ રૂપિયા આપ્યા હતા.અને મકાનના સાટાખત કરી આપ્યા હતા.પરંતુ સમય જતાં તેને દસ્તાવેજ ન કરી આપી માત્ર તારીખો જ આપી હતી.જેથી આ મામલે ફરિયાદીએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,બંને આરોપીએ આ મકાનનું નીલેશભાઈ અને ભરતભાઈને સાટાખત કરી આપ્યા હતા.જેથી 8 લાખ પડાવી દસ્તાવેજ કરી ન આપી બંને ભાઈઓએ છેતરપિંડી કરતાં આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
