ન્યુડ વિડીયો કોલ,સેલિબ્રિટીના ફોટા લાઇક કરવા અને ટાસ્ક પૂરા કરવા નામે પાંચ સાથે સાયબર ફ્રોડ
સાયબર પોલીસે પાંચેય અરજદારોએ ફ્રોડમાં ગુમાવેલી કુલ રૂ.5.25 લાખ પરત અપાવ્યા
સાયબર ગઠીયાઓ દ્વારા લોકોને સેલિબ્રિટીના વિડીયો તેમજ ફોટો લાઇક કરવા, ટાસ્ક પુરા કરવા તેમજ અલગ-અલગ સ્ક્રીમ અને ન્યુડ વીડિયો કોલ મારફતે રાજકોટમાં પાંચ લોકો પાસે પૈસા પડાવવાના પડાવવામાં આવ્યા હતા.ત્યારે આ મામલે તેમણે ફરિયાદ કરતાં સાયબર પોલીસ દ્વારા પાંચ અરજદારોએ ઓનલાઇન ફ્રોડમાં ગુમાવેલા રૂા.5.25 લાખ પરત અપાવ્યા હતા.
શહેરના ગોંડલ રોડ પર અંબાજી ક્ડવા પ્લોટમાં રહેતા મયુર લાલજીભાઇ વાઘેલા નામના યુવાને મોબાઇલમાં વોટસએપ દ્વારા એક મેસેજ આવ્યો હતો અને તેમાં સાયબર ગઠીયાએ સેલીબ્રીટીના વીડિયો તેમજ લાઇક કરો અને પૈસા કમાવવા તેવી લાલચ આપી ટાસ્ક આપ્યા હતા. મયુરે વિશ્વાસમાં આવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂા.1.44 લાખ ગઠીયાના ખાતામાં જમા કરી પૈસા ગુમાવ્યા હતા.જેથી તેને ફરિયાદ કરતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. આર.જી.પઢીયાર સહિતના સ્ટાફે રૂા.1.29 લાખ પરત અપાવ્યા હતા.બીજા બનાવમાં ઓનલાઇન હોટલને રેટીંગ આપવાના ટાસ્ક મારફતે રાજકોટના અરજદાર નિર્મલભાઇ મકવાણાનો ટેલીગ્રામ મારફતે આરોપીએ સંપર્ક કરી રૂા.96,500 પડાવ્યા હતા. ત્યારે તેમણે પી.આઇ. કે.જે.મકવાણા અને સ્ટાફે રૂા.78 હજાર પરત અપાવ્યા હતા.
ત્રીજા બનાવમાં એક અરજદારે પોતાના ક્રેડીટ કાર્ડ ઉપર 20% ડીસ્કાઉન્ટની ઓફરનો વોટસએપમાં મેસેજ આવતા અરજદારે વોટસેએપમાં ક્રેડિટકાર્ડની ડીટેલ આપતા તેમાંથી રૂા.2.87 લાખ ઉપડી જતા સાયબર ક્રાઇમ પોલીસના પી.આઇ. બી.બી.જાડેજા અને સ્ટાફે 2.09 લાખની રક્મ પરત અપાવી હતી. જ્યારે રાજકોટ શહેરના એક અરજદારે ટાસ્ક પૂરા કરવાની લાલચમાં રૂા.95 હજાર ગુમાવી દીધા હતા.તેમને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 83 હજાર પરત અપાવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના એક અરજદારને વોટસએપ એપ્લિકેશનમાં ન્યુડ વિડીયો કોલ આવતા તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી આરોપીએ અરજદાર સાથે રૂા.93 હજાર પડાવ્યા હતા. તે મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી થતા તેમને રૂા.24 હજાર પરત અપાવ્યા હતા.આમ સાયબર પોલીસ દ્વારા કુલ પાંચ અરજદારોને 5.25 લાખની ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત અપાવી છે.